આલેખન – રવિના બોરાધરા
(વડોદરા, તા.૦૬)
આજના સમયમાં સામાજિક પ્રસંગોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ્સ અને થર્મોકોલના વાસણોનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર પડકાર બની રહ્યો છે. આવી સ્થિતિમાં વડોદરાના ડેન્ટિસ્ટ ડૉ. ધ્વનિ ભાલાવતે પ્લાસ્ટિકમુક્ત ઉજવણીઓને પ્રોત્સાહન આપતું અનોખું અભિયાન શરૂ કર્યું છે. તેઓ જન્મદિવસ, સગાઈ, સીમંત, પુણ્યતિથિ, સ્મૃતિસભા જેવા નાના કાર્યક્રમો માટે સ્ટીલના વાસણો સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવે છે, જેથી લોકો સિંગલ-યુઝ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ્સના સ્થાને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા સ્ટીલના વાસણોનો ઉપયોગ કરી શકે.
ડૉ. ધ્વનિ ભાલાવત છેલ્લા સાત વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. પર્યાવરણ પ્રત્યે જાગૃત તેમના માતા-પિતાની જીવનશૈલીથી તેઓ બાળપણથી જ પ્રેરિત રહ્યા હતા. ત્યારબાદ દિલ્હીની ઝીરો-પ્લાસ્ટિક પહેલ વિશે જાણ્યા બાદ આ વિચારને વધુ દિશા મળી અને વર્ષ ૨૦૧૯માં, કોલેજ દરમિયાન જ તેમણે આ અભિયાનની શરૂઆત કરી.
શરૂઆતમાં માત્ર મોબાઇલ નંબર દ્વારા બુકિંગ લેવામાં આવતું હતું અને આજ સુધી આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા ઇચ્છુક લોકોએ અગાઉથી બુકિંગ કરાવી સ્ટીલના વાસણો નિર્ધારિત સ્થળેથી જાતે લઈ જવાના રહે છે. વાસણોની સલામતી અને યોગ્ય રીતે પરત મળે તે માટે રીફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવે છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાસણોને સ્વચ્છ કરીને પરત આપવાના રહે છે. વાસણો યોગ્ય સ્થિતિમાં પરત મળતાં જ સિક્યોરિટી ડિપોઝિટની સંપૂર્ણ રકમ પરત આપવામાં આવે છે.
આ પહેલને શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધેલી જાગૃતિને કારણે આ અભિયાનને વધુ વેગ મળ્યો. હાલમાં તેમની પાસે એક સમયે ૧૫૦થી વધુ લોકો માટે ભોજન પીરસી શકાય તેટલી ક્ષમતા ઉપલબ્ધ છે.
હાલમાં તેમની પાસે આશરે ૫૦ સ્ટેનલેસ સ્ટીલની થાળીઓ, ૧૫૦ જેટલા સ્ટેનલેસ સ્ટીલના ગ્લાસ, સ્ટેનલેસ સ્ટીલની વાટકીઓ, ચમચીઓ અને અન્ય જરૂરી વાસણો, તેમજ આશરે ૨૦૦ બાંબૂની પ્લેટો ઉપલબ્ધ છે. વિવિધ પ્રસંગો માટે લોકો સરળતાથી આ વાસણો બુક કરાવી જાતે મેળવી શકે છે, જેના કારણે સિંગલ-યુઝ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ્સનો ઉપયોગ ટાળી શકાય છે.
ડૉ. ધ્વનિ ભાલાવતના જણાવ્યા મુજબ, આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને એ સમજાવવાનો છે કે નાના પરિવારિક કાર્યક્રમોમાં પણ સિંગલ-યુઝ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ્સનો ઉપયોગ ટાળી શકાય છે. જો દરેક પરિવાર આવા પ્રસંગોમાં પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા વાસણો અપનાવે તો પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણ પર પડતો બોજ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય.
આ સરળ પરંતુ અસરકારક પહેલના પરિણામે અત્યાર સુધીમાં અંદાજે ૫ લાખ સિંગલ-યુઝ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ્સના ઉપયોગને અટકાવવામાં સફળતા મળી છે. એક સામાન્ય વિચારથી શરૂ થયેલું આ અભિયાન આજે વડોદરામાં પર્યાવરણ સંરક્ષણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની ગયું છે અને વધુને વધુ લોકોને પ્લાસ્ટિકમુક્ત તથા ટકાઉ ઉજવણીઓ તરફ પ્રેરિત કરી રહ્યું છે.
નાના પ્રસંગોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ્સના સ્થાને સ્ટીલના વાસણો અપનાવવાનો સંદેશ
******************************
વર્ષ ૨૦૧૯થી નિઃશુલ્ક સ્ટીલના વાસણોની સેવા દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન
*************************
નિઃશુલ્ક સમુદાય સેવા દ્વારા અત્યાર સુધી અંદાજે ૫ લાખ સિંગલ-યુઝ પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ્સના ઉપયોગને અટકાવવામાં સફળતા
