અવધ એક્સપ્રેસ | વડોદરા
સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ, આગામી ૨૦ નવેમ્બરથી વડોદરા જિલ્લાના ખેડૂતોને સબસીડીવાળા રસાયણિક ખાતરનો જથ્થો મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાતરના વિતરણની સમગ્ર વ્યવસ્થાને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવાના હેતુસર “ફ્રેમ વર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ” નામની નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઇલ ફોન દ્વારા જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેના પરિણામે ડેપો કે મંડળીઓ પર લાગતી લાંબી લાખોની લાઇનોમાંથી ખેડૂતોને મોટી મુક્તિ મળશે. મોબાઇલ એપ્લિકેશનથી ખાતરનો જથ્થો બુક કર્યાના ૨ બે દિવસમાં ખેડૂતે સંબંધિત સ્થળેથી જથ્થો મેળવી લેવાનો રહેશે. જો નિર્ધારિત બે દિવસમાં જથ્થો ખરીદવામાં નહીં આવે, તો બુકિંગ આપોઆપ રદ થઈ જશે.

આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘેર બેઠા જ જાણી શકશે કે કયા ડીલર કે કેન્દ્ર પાસે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અગાઉથી બુકિંગ કરેલું હોવાથી ટોકન નંબર દ્વારા દુકાન પર તુરંત જ ખાતર પ્રાપ્ત થઈ શકશે અને કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડશે નહીં. તમામ વેચાણનો ડિજિટલ રેકોર્ડ જળવાઈ રહેવાથી વહીવટી પારદર્શિતા વધશે અને નકલી ખરીદદારો પર અંકુશ આવી શકશે.
સદર પદ્ધતિથી સબસીડીવાળા રસાયણિક ખાતરોની ખરીદ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનતી હોવાથી ખેડૂત વર્ગને કોઈપણ પ્રકારના નકારાત્મક કે ભ્રામક સમાચારોથી દોરવાઈ ન જવા ખાસ અનુરોધ છે. ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશન માટે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે, તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), વડોદરાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
