ભારતીય શિક્ષણ મંડળ, ગુજરાત પ્રાંત દ્વારા વ્યાસ પૂજા પખવાડિયા અંતર્ગત ઘોઘંબા તાલુકાના રાયણ મુવાડા સ્થિત એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં “ભારતીય સંસ્કૃતિની ગુરુ-શિષ્ય પરંપરા” વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય શિક્ષણ મંડળના પ્રાંત અધિકારી કુમારી ભગવતીબેન જોશીએ મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતાં શિક્ષણમાં ભારતીયતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે “શ્રદ્ધાવાન લભતે વિદ્યા”ના સૂત્રને આધારે જણાવ્યું હતું કે સાચું શિક્ષણ માત્ર માહિતી કે જ્ઞાન પૂરું પાડતું નથી, પરંતુ સંસ્કાર અને મૂલ્યોનું પણ સિંચન કરે છે.

ભગવતીબેન જોશીએ ‘ટીચર’ અને ‘ગુરુ’ શબ્દ વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતું કે ગુરુ માત્ર વિષયનું જ્ઞાન આપતા નથી, પરંતુ જીવન જીવવાની સાચી દિશા પણ દર્શાવે છે. તેમણે તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા થયેલા અયોગ્ય વર્તનનો ઉલ્લેખ કરી માતા-પિતા, ગુરુજનો અને વડીલો પ્રત્યે આદરભાવ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મૂલ્યલક્ષી શિક્ષણ દ્વારા જ સમાજમાં સંસ્કાર, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શિલ્પાબેન, સેજલબેન તથા અન્નપૂર્ણાબહેને પણ પ્રસંગોચિત વિચારો વ્યક્ત કરી ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
અંતે શાળાના આચાર્યએ ઉપસ્થિત મહાનુભાવો, વક્તાઓ તથા કાર્યક્રમમાં સહભાગી બનેલા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો.
