સાવલીથી જરોદને જોડતા આશરે 20 કિલોમીટર લાંબા માર્ગના નવનિર્માણ પાછળ અંદાજે ₹80 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે કામગીરી હજુ પૂર્ણ પણ થઈ નથી ત્યાં જ નવા બનેલા રોડ પર અનેક સ્થળોએ ગાબડાં પડી જતાં સમગ્ર કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પરિણામે માર્ગ અને મકાન વિભાગની કામગીરી તથા દેખરેખ પર સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સાવલી–ગોઠડા ખાતે કરચીયા ચોકડીથી જરોદ તરફ નવા રોડના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં જરોદ તરફ આશરે ચાર કિલોમીટર જેટલી કામગીરી બાકી છે. પરંતુ આગળનો રોડ પૂર્ણ થાય તે પહેલાં જ પાછળ તૈયાર થયેલા માર્ગ પર ગાબડાં પડવા લાગ્યા છે. જેના કારણે કરોડો રૂપિયાના જાહેર નાણાંથી બનતા માર્ગની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યાં ગાબડાં પડ્યાં છે ત્યાં ઇજારદાર દ્વારા કાચો માલ ભરીને ખાડા પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી કાયમી સમારકામ કરતાં માત્ર ઢાંકપીછોડા સમાન હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રોડનું લોકાર્પણ પણ થયું નથી અને તે પહેલાં જ તેની હાલત બગડવા લાગી હોવાને કારણે માર્ગ નિર્માણમાં વપરાયેલી સામગ્રી, તકનીકી ધોરણો અને દેખરેખની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે.
રોજિંદા હજારો વાહનો માટે મહત્વપૂર્ણ ગણાતા આ માર્ગ પર પડેલા ગાબડાંને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદી મોસમમાં અકસ્માતની શક્યતા વધી જતાં સ્થાનિકો ચિંતિત બન્યા છે.

સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ગુણવત્તાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કામની ગુણવત્તા અત્યંત નબળી હોવાનું રોડની હાલત પરથી સ્પષ્ટ થાય છે. લોકોની માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ ઉચ્ચસ્તરીય તકનીકી તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ અને ઇજારદાર સામે જરૂરી કાર્યવાહી કરે તેમજ સમગ્ર રોડની ગુણવત્તાની ફરી ચકાસણી કરવામાં આવે.
હવે જોવાનું એ રહેશે કે માર્ગ અને મકાન વિભાગ આ ગંભીર મુદ્દે માત્ર સમારકામ સુધી સીમિત રહે છે કે પછી સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે છે.
* “લોકાર્પણ પહેલાં જ રોડ તૂટી જાય તો કામની ગુણવત્તાનો અંદાજ સહેલાઈથી આવી જાય છે. માત્ર ખાડા પૂરી દેવાથી સમસ્યા નહીં ઉકેલાય, સમગ્ર રોડની ગુણવત્તાની તપાસ થવી જોઈએ.”
