ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પંચમહાલ પોલીસ અને એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તાલીમાર્થીઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ-રાત કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની નિયમિત તપાસ થાય અને તેઓને જરૂરી તબીબી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો.

મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ અધિક્ષક બી. એલ. દેસાઈના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તાલીમાર્થીઓના બ્લડ પ્રેશર, બ્લડ શુગર સહિતના પ્રાથમિક આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ઉપરાંત જરૂરી તબીબી સલાહ અને સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકો તથા વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના સંચાલક ફિરદોષ કોઠી સહિત હોસ્પિટલનો સ્ટાફ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
