(મયુર જાની)
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ અત્યાચારના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા વોન્ટેડ આરોપીને પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ઝડપી પાડી કાલોલ પોલીસને સોંપ્યો છે.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાએ ફરાર અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે સ્ટાફને સક્રિય કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.
તે દરમિયાન એલસીબીના પોલીસકર્મી અલ્પેશભાઈ નારણભાઈને હ્યુમન સોર્સિસ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી ઈરફાન અબ્દુલમજીદ પાડવા ઉર્ફે વેજલીયો, રહે. સાતપુલ, અકસા મસ્જિદ પાસે, ગોધરા, હાલ ઝાકીર હુસેન સ્કૂલ નજીક હાજર છે.
આ બાતમીના આધારે પો.સ.ઈ. એચ.આર. જેતાવત અને એલસીબીની ટીમે ઝાકીર હુસેન સ્કૂલ નજીક ખાનગી વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ અને કાર્યવાહી માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
