(મયુર જાની)
ગોધરા તાલુકાના મોદીના મુવાડા ગામ નજીક ટી.બી. હોસ્પિટલ પાસે આવેલ રોડની બાજુમાં નીલગીરીના ઝાડોમાંથી કતલ કરાયેલા ગૌવંશના અવશેષો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળેલી માહિતી મુજબ, ગોધરા તાલુકા પોલીસની ટીમ દ્વારા તા. ૦૧ ઓગસ્ટના રોજ રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન મોદીના મુવાડા ગામની સરહદમાં ટી.બી. હોસ્પિટલ નજીક રોડ સાઈડમાં નીલગીરીના ઝાડ નીચેથી ગૌવંશ ગાયોના કતલ કરેલ અવશેષો મળી આવ્યા હતા. જેમાં ગાયોના કપાયેલા ચામડી સહિતના બે માથા, માસ, આંતરડા તથા ચામડા મળી કુલ ૧૫૦ કિલોગ્રામનો મુદ્દામાલ મળી આવ્યો હતો.અજાણ્યા આરોપીએ અન્ય જગ્યાએ ગૌવંશનું કતલ કરી, ગૌવંશના માસનો જથ્થો અન્ય જગ્યાએ લઈ જઈ, બાકી વધેલા અવશેષો અહીં ખુલ્લામાં ફેંકી દીધા હતા. આ કૃત્યથી હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારનું કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.આ બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે ફરાર અજાણ્યા ઇસમોની શોધખોળ હાથ ધરી છે.