(મયુર જાની)
પંચમહાલ જિલ્લાના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા જાંબુઘોડા પંથકમાં શુક્રવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો. બપોરના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં જ અંદાજે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર નગર પાણી-પાણી થઈ ગયું હતું.
નગરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. અનેક સ્થળોએ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદના આંકડાઓ મુજબ રાત્રિના બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં 72 મીમી (આશરે ત્રણ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વરસાદે થોડો વિરામ લેતાં બપોરના ચાર વાગ્યા સુધી માત્ર 9 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે સાંજે ચાર વાગ્યા બાદ મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ શરૂ કરી હતી અને માત્ર બે કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી પડ્યો હતો. પરિણામે રાત્રિના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના કુલ સમયગાળામાં 209 મીમી એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર જાંબુઘોડા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જાંબુઘોડા નગર પાસેથી પસાર થતી સુકી નદીમાં પણ ઘોડાપૂર આવતાં નદી બે કાંઠે વહેવા લાગી હતી. ઉફાન મારતી નદીના દૃશ્યો નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો નદી કિનારે ઉમટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
▶️ વરસાદનો આંકડો એક નજરે…
રાત્રિ 2 થી સવારના 6 વાગ્યા : 72 મીમી (3 ઇંચ)
સવારના 6 થી બપોરના 4 વાગ્યા : 9 મીમી
બપોરના 4 થી સાંજના 6 વાગ્યા : આશરે 128 મીમી (સાડા પાંચ ઇંચ)
રાત્રિના 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કુલ વરસાદ : 209 મીમી (આઠ ઇંચથી વધુ)
▶️ ભારે વરસાદની અસર
સમગ્ર જાંબુઘોડા નગર પાણી-પાણી
મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં પાણી ભરાયા
સુકી નદીમાં ઘોડાપૂર, નદી બે કાંઠે વહેતી થઈ
નદીના દૃશ્યો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશી.
