ઘોઘંબા, પ્રતિનિધિ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે આવેલી પીએમ શ્રી શાળાની કમ્પાઉન્ડ વોલ શુક્રવારે ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ હતી. બપોરે આશરે ૪ વાગ્યાના સમયે વરસેલા અતિભારે વરસાદને પગલે શાળાના મુખ્ય પ્રવેશદ્વાર નજીક આવેલી કમ્પાઉન્ડ વોલનો મોટો ભાગ અચાનક તૂટી પડતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી.
સદનસીબે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવી હતી. પરિણામે ઘટના સમયે શાળા પરિસરમાં કોઈ વિદ્યાર્થી કે બાળક હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્રના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
બીજી તરફ, શાળાની નજીક આવેલો કોઝવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભારે વરસાદ દરમિયાન અહીં પાણી ફરી વળવાની સમસ્યા વારંવાર સર્જાતી હોવાથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શાળાએ આવતા-જતા નાના બાળકો માટે આ માર્ગ જોખમી બની રહે છે.

સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ વર્ષોથી કોઝવેને ઊંચો બનાવી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ચોમાસાની દરેક ઋતુમાં આ સમસ્યા યથાવત રહે છે. જો સમયસર યોગ્ય આયોજન કરવામાં આવે તો આવી જોખમી પરિસ્થિતિઓને ટાળી શકાય.
ઘટનાને પગલે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ શાળાની તૂટી પડેલી કમ્પાઉન્ડ વોલનું તાત્કાલિક સમારકામ કરવા તેમજ કોઝવેને ઊંચો બનાવી વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
