(મયુર જાની)
પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગોધરા-વડોદરા બાયપાસ રોડ પર હોટલ અતિથિ નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં કાલોલના 20 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. રસ્તા પર અડચણરૂપ અને જોખમી રીતે ઉભેલી ટ્રકની પાછળ બાઈક અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે હાલોલ પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ કાલોલના રણછોડજી મંદિર ફળિયામાં રહેતા અને રણછોડજી મંદિરના મુખિયાજી શૈલેષભાઈ જોશીના પુત્ર નિત્ય શૈલેષભાઈ જોશી (ઉં.વ. 20) વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. તેઓ બપોરે પોતાના ઘરેથી બાઈક લઈને વડોદરા જવા નીકળ્યા હતા. હાલોલ બાયપાસ પર હોટલ અતિથિ નજીક પહોંચતા રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ તેમની બાઈક જોરદાર રીતે અથડાઈ હતી.અકસ્માત બાદ નિત્યને ગંભીર ઈજાઓ પહોંચતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં હાલોલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક કબજે લઈને ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતના કારણો અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.મૃતક નિત્ય જોશી તેમના માતા-પિતાના એકના એક પુત્ર તેમજ બે બહેનોના એકમાત્ર ભાઈ હતા. અકસ્માતના સમાચાર મળતાં પરિવારજનો અને મોટી સંખ્યામાં નગરજનો હાલોલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને સોમવારે સવારે કાલોલ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. યુવાનના અકાળ અવસાનથી સમગ્ર કાલોલ પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
