(મયુર જાની)
મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ માનગઢ ખાતે બાઇક પર જોખમી સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સંતરામપુર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે તપાસ કરીને બંને યુવકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માનગઢ ખાતે જાહેર સ્થળે બાઇક પર જોખમી સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. વીડિયો પોલીસના ધ્યાને આવતા સંતરામપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બંને યુવકોની ઓળખ કરવામાં આવી હતી.

પોલીસે બંને સામે મોટર વાહન અધિનિયમ તેમજ અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોએ આ પ્રકારના જોખમી સ્ટંટ કરવાથી અકસ્માતની શક્યતા વધે છે અને પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
સંતરામપુર પોલીસે નાગરિકો, ખાસ કરીને યુવાઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે આવા જોખમી સ્ટંટ ન કરે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને જવાબદારીપૂર્વક વાહન ચલાવે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સુરક્ષાને જોખમમાં મૂકનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
