ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના ફૂલવાળી ફળિયામાં રાષ્ટ્રીય પક્ષી મોર પગમાં ગંભીર ઈજા સાથે લાચાર હાલતમાં જોવા મળતા વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ તથા બજરંગ દળ ઘોઘંબા પ્રખંડના સ્વયંસેવકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી માનવતાભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મોરનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઈજાના કારણે મોર ચાલી કે ઉડી શકતો ન હોવાથી તે અન્ય પ્રાણીઓના હુમલા અથવા અન્ય જોખમનો ભોગ બને તેવી સ્થિતિમાં હતો. ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્વયંસેવકોએ અત્યંત સાવચેતી, સંવેદનશીલતા અને કુશળતા સાથે મોરને સુરક્ષિત રીતે કબજામાં લઈ વધુ ઈજા ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખી હતી.
બાદમાં ઘાયલ મોરને યોગ્ય સારવાર અને જરૂરી સંભાળ મળી રહે તે હેતુથી ઘોઘંબા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મોરની સારવાર અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ રેસ્ક્યુ કામગીરીમાં ધવલભાઈ પંડિત, પ્રકાશભાઈ રાઠોડ અને અશ્વિનભાઈ મકવાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત એક સ્થાનિક યુવાન કાર્યકર્તાએ પણ સેવા ભાવથી જોડાઈ કામગીરીને સફળ બનાવવામાં નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે કાર્યકરોએ જણાવ્યું હતું કે વન્યજીવો અને પક્ષીઓનું સંરક્ષણ કરવું દરેક નાગરિકની નૈતિક અને સામાજિક જવાબદારી છે. ઘાયલ કે મુશ્કેલીમાં મુકાયેલા કોઈપણ જીવને સમયસર મદદ મળે તો તેનો જીવ બચાવી શકાય છે. ઘોઘંબામાં થયેલી આ કામગીરી માનવતા, કરુણા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
