શહેરા તાલુકાના નાંદરવા ગામના બોર્ડના કુવા પાસે આવેલા બામણીયા ફળિયામાં ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ પર અચાનક આકાશી વીજળી ત્રાટકતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ કાળજું કંપાવી દે તેવી ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
શહેરા તાલુકાના નાંદરવા ગામના ‘બોર્ડના કુવા બામણીયા ફળિયા’માં આવેલા બે અલગ-અલગ ખેતરોમાં સંતોષબેન, ઝાજમબેન અને શારદાબેન નામની ત્રણેય મહિલાઓ સોમવારે બપોરના સમયે ડાંગરનું ધરું રોપવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાનફાડ કડાકા-ભડાકા સાથે આકાશી વીજળી પડી હતી.વીજળીનો જબરદસ્ત આંચકો લાગવાને કારણે ખેતરમાં કામ કરી રહેલા સંતોષબેન બામણીયા જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે સાથે કામ કરી રહેલા ઝાજમબેનને ગંભીર ઈજાઓ અને શારદાબેનને સામાન્ય ઈજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ નાંદરવા ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.બંને ઈજાગ્રસ્ત મહિલાઓને 108 દ્વારા સારવાર અર્થે તાત્કાલિક શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. આ બનેલી ઘટનાને લઈને પોલીસ સહિતનું તંત્ર સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને સંતોષબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.ચોમાસાની શરુઆતમાં જ રોજી-રોટી મેળવવા ખેતરે ગયેલી મહિલાનું અકાળે અવસાન થતાં સંતોષબેનના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. નાંદરવા ગામ સહિત આસપાસના સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ હતી.
