બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાપુનગર હિરાવાડી વિસ્તારમાં મુસાફરોથી ભરેલી AMTS બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર બહાર ઉતારી લેવાતા મોટી જાનહાનિ ટળી છે.
અમદાવાદના બાપુનગર હિરાવાડી વિસ્તારમાં આજે સવારે AMTSની 300 નંબરની બસમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મળતી માહિતી મુજબ બસમાં આશરે 40થી 45 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આગ લાગતા જ બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ચાલક અને કંડક્ટરની સતર્કતાના કારણે તમામ મુસાફરોને તાત્કાલિક બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં બસમાં ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમયસર બચાવ કામગીરી થતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી. હાલ અધિકારીઓ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
