અમદાવાદ : મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ખાતે ‘જિજ્ઞાસા ધ સેલિબ્રેશન ઓફ સાયન્સ એન્ડ લોજીક’ અંતર્ગત ભવ્ય સાયન્સ એન્ડ મેથેમેટિક્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનની ભાવના, તર્કશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. જેમાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ વૈજ્ઞાનિક મોડેલ્સ, પ્રયોગો તેમજ રિસર્ચ પોસ્ટર્સ રજૂ કર્યા હતા.

વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિતના વિવિધ વિષયોને આધારે તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની જિજ્ઞાસા અને સંશોધનાત્મક વિચારશક્તિનું સુંદર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન નિહાળવા આવેલા પૂજનીય સંતો, મહાનુભાવો તથા વાલીઓએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

SSGITS મણિનગરનો સંદેશ સ્પષ્ટ રહ્યો કે જિજ્ઞાસાથી પ્રશ્ન જન્મે છે, તર્કથી વિચાર વિકસે છે અને નવીનતાથી ભવિષ્યનું નિર્માણ થાય છે. વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક વિચારધારાને ઉજાગર કરતું આ આયોજન જ્ઞાન સાથે સર્જનાત્મકતા અને સંશોધન તરફ આગળ વધવા માટે પ્રેરણારૂપ બન્યું હતું.
