પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રાજગઢ ગામના પલ્લા ઘાટી ફળિયામાં મધરાત્રિના સમયે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી આવ્યો હતો અને બાંધેલા બે બકરાંનો શિકાર કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે અંદાજે 1થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન કાનજીભાઈ રાઠવાના ઘરે દીપડો ઘૂસ્યો હતો. મકાન પાસે બાંધેલા બે બકરાં પર હુમલો કરીને બંનેને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાથી પશુપાલકને આર્થિક નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને પશુપાલકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે અને લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસમાં ઘોઘંબા તાલુકામાં દીપડા દ્વારા પશુ પર હુમલાની આ બીજી ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કરાડ નદીના કોતરો અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં દીપડાનો વસવાટ છે, જેના કારણે તેઓ ખોરાકની શોધમાં ગામડાં તરફ આવી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે દીપડાના ગામમાં આવવાના ચોક્કસ કારણ અંગે વન વિભાગ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક પાંજરાં ગોઠવી દીપડાને પકડવાની, રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની તેમજ અસરગ્રસ્ત પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં માનવજીવન પણ જોખમમાં મુકાઈ શકે છે.
હવે સૌની નજર વન વિભાગની કામગીરી પર છે કે ગ્રામજનોમાં ફેલાયેલા ભયને દૂર કરવા અને દીપડાના વધતા આતંકને કાબૂમાં લેવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે.
