પંચમહાલ જિલ્લામાં વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદને પરિણામે ગ્રામીણ તથા મુખ્ય માર્ગોને થયેલા નુકસાનને પગલે પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, ગોધરા દ્વારા નાગરિકોની સુવિધા અને માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં હાલોલ તાલુકાના રામેશરા-તરગોળ રોડ પર સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ ક્રોસ કરીને નવીન સ્ટ્રક્ચર નિર્માણની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે સ્ટ્રક્ચરની આસપાસની માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં માટી રસ્તા પર પથરાઈ ગઈ હતી. આના કારણે સ્થાનિક રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ બાબતને ગંભીરતાથી લઈને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, હાલોલની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. માર્ગ પરથી માટી હટાવીને તાત્કાલિક ધોરણે G.S.B. (ગ્રેન્યુલર સબ-બેઝ) તથા મેટલ (કાંકરી/કંકર) પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે,પંચમહાલ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ પુરવા અને ધોવાણ થયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
