વિશ્વપ્રસિદ્ધ સંત શિરોમણી પરમ પૂજ્ય સ્વામીજી સાવલીવાળાની કર્મભૂમિ તેમજ પૂજ્ય ગેબીનાથ દાદાની જીવંત સમાધિથી પાવન બનેલા અતિ પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી ખાતે આગામી અષાઢ સુદ પૂર્ણિમા, બુધવાર તા : 29/07/2026 ના રોજ વર્ષોવર્ષની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવ, શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવવામાં આવશે.
ગુરુપૂર્ણિમા મહોત્સવનો શુભ પ્રારંભ પ્રાતઃકાળે સુમધુર શહેનાઈવાદનથી થશે. ત્યારબાદ સંગીત પ્રચારિણી સભાના રંગમંચ ઉપર પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્તિમય સંગીત અને કર્ણપ્રિય ભજનોની રજૂઆત કરવામાં આવશે. સવારે 8:30 કલાકે પૂજ્ય સ્વામીજીની સમાધિ મંદિર સમક્ષ પરંપરાગત રીતે ગુરુ પાદુકાનું પૂજન યોજાશે. તે સાથે જ હોમાત્મક લઘુ રુદ્ર યાગનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ બપોરે 1:00 કલાકે શ્રીફળ હોમી કરવામાં આવશે.
દેશ-વિદેશમાંથી ગુરુ આશીર્વાદ મેળવવા તથા સમાધિ મંદિરના દર્શનાર્થે પધારતા હજારો ભક્તજનો માટે વિશાળ કેદારેશ્વર સભા મંડપ ખાતે મહાપ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંધ્યાકાળે બંને સમાધિ મંદિરો તથા ગર્ભગૃહમાં દિવ્ય મહા આરતી યોજાશે ત્યાર બાદ ગુરુપૂર્ણિમા મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
ગુરુપૂર્ણિમા મહોત્સવને લઈને સ્વામીજીના ભક્તજનો, સેવકો તથા સમગ્ર સાવલી નગરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનું અનોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સમગ્ર ભીમનાથ મહાદેવ પરિસરને આકર્ષક રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. બંને સમાધિ મંદિરો, ગુરુગાદી તથા ગર્ભગૃહને સુગંધિત પુષ્પોથી અલંકૃત કરવામાં આવશે તેમજ વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી વિશાળ મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
મંદિરના વહીવટી તંત્રના જણાવ્યા મુજબ ગુરુપૂર્ણિમા મહોત્સવ માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દર્શન, મહાપ્રસાદ તથા ભક્તજનોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે તમામ ભક્તજનોને સપરિવાર પધારી ગુરુદર્શન, ગુરુ આશીર્વાદ અને મહાપ્રસાદનો દિવ્ય લાભ લેવા હાર્દિક અનુરોધ કરવામાં આવે છે.
