પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૭
સ્થાનિક સ્તરે સરકારી તંત્ર અને પંચાયતી રાજના વહીવટની ખામીઓના કારણે પ્રજા કેવી હાલાકી ભોગવે છે તેનો જીવતો જાગતો કિસ્સો કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે. વહીવટી સુવિધાના સદંતર અભાવ અને સ્થાનિક વિકાસથી વંચિત એવા ઝરી, ભાભર (વડલી) અને કાલીકોઈ ગામના લોકોએ હવે અન્યાય સામે રણશિંગું ફૂંક્યું છે. આ ત્રણેય ગામોને કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાંથી સત્તવરે છૂટા પાડી, નવી ઝરી જૂથ ગ્રામ પંચાયતની રચના કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને પુરાવા સાથેનું આક્રમક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
સરકારી આંકડાઓ મુજબ ઝરી ગામની વસ્તી ૨૨૪૮, ભાભરની ૯૧૭ અને કાલિકોઈની વસ્તી ૩૮૪ મળીને કુલ ૩,૫૪૯થી વધુની વસ્તી થાય છે. સરકારી નિયમો અનુસાર આ વસ્તી સ્વતંત્ર જૂથ પંચાયત બનાવવા માટે સંપૂર્ણપણે લાયક અને સક્ષમ છે. આમ છતાં, આ ત્રણેય ગામોને કદવાલ પંચાયત હેઠળ જકડી રાખવામાં આવ્યા છે. મુખ્ય મથક કદવાલ અહીંથી ૩ થી ૪ કિલોમીટર દૂર આવેલું હોવાથી સામાન્ય ગરીબ આદિવાસી અને મધ્યમવર્ગીય પરિવારોને નાનામાં નાના સરકારી દાખલા, આવકના પ્રમાણપત્રો કે વિધવા સહાય અને આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે આખો દિવસ બગાડીને કદવાલના ધક્કા ખાવા પડે છે.
સ્થાનિક ગ્રામજનો અને અગ્રણીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, કદવાલ જૂથ પંચાયતમાં સમાવિષ્ટ હોવાના કારણે નાણાપંચ અને સરકાર તરફથી મળતી ગ્રામીણ વિકાસની લાખો રૂપિયાની ગ્રાન્ટોનો મોટો હિસ્સો મુખ્ય ગામમાં જ વપરાઈ જાય છે. જ્યારે ઝરી, ભાભર અને કાલિકોઈ જેવા પરાં સમાન ગામોમાં રોડ-રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો આજે પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. આ ભૌગોલિક અન્યાય હવે ગ્રામજનો સહન કરવાના મૂડમાં નથી.
ઝરી અને આસપાસના ગામના જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં કદવાલ પંચાયતનું વિભાજન કરીને ‘ઝરી જૂથ ગ્રામ પંચાયત’ મંજૂર કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે, તો ત્રણેય ગામના સમસ્ત અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે અને આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવા જેવા કડક પગલાં ભરશે. આ આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં ગ્રામજનો શિસ્તબદ્ધ રીતે ઉમટી પડ્યા હતા અને તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી.
વસ્તી અને ભૌગોલિક અંતર જોતા અલગ પંચાયત અનિવાર્ય રૂજલીબેન રાઠવા (સરપંચ, કદવાલ જૂથ ગ્રામ પંચાયત)
આ સમગ્ર વિભાજનની માંગણીને લઈને કદવાલ જૂથ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ રૂજલીબેન રાઠવાએ પણ ગ્રામજનોના સુર માં સુર પુરાવ્યો છે. સરપંચ રૂજલીબેન રાઠવાના જણાવ્યા અનુસાર, “ઝરી, ભાભર અને કાલિકોઈ ગામની વસ્તી તેમજ કદવાલ મુખ્ય મથકથી તેમનું અંતર ધ્યાને લેતા વહીવટી સરળતા માટે આ ગામો છૂટા પડે તે ખૂબ જ જરૂરી છે. વિશાળ વિસ્તાર અને મોટી વસ્તીના કારણે છેવાડાના વિસ્તારો સુધી વિકાસ કાર્યોનું યોગ્ય મોનિટરિંગ કરવામાં મુશ્કેલી પડે છે. જો ‘ઝરી જૂથ પંચાયત ‘ અલગ બને તો સ્થાનિક પ્રજાના પ્રશ્નો ત્યાં જ ઉકેલાઈ જશે અને વહીવટ વધુ મજબૂત બનશે.”
Add A Comment
