(મયુર જાની)
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત શાંતિ મિશ્ર શાળામાં સરકારી નિયમો અને પ્રવર્તમાન પરિપત્રોનું સરેઆમ ઉલ્લંઘન થવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષણ વિભાગના સ્પષ્ટ નિયમ અનુસાર શાળામાં આચાર્યનો ચાર્જ સદાય સૌથી સિનિયર શિક્ષકને સોંપવાનો હોય છે, તેમ છતાં આ શાળામાં તમામ નિયમોને નેવે મૂકીને એક જુનિયર શિક્ષકને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.
સિનિયરિટીનો અનાદર અને તંત્રની મિલીભગત?
સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે સિનિયરિટીના આધારે જ ચાર્જ સોંપવાનો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. પરંતુ શાંતિ મિશ્ર શાળામાં વરિષ્ઠ અને અનુભવી શિક્ષકની લાયકાત અને હકનો અનાદર કરીને જુનિયર શિક્ષકની તાજપોશી કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ કયા કારણો કે અંગત રસ કામ કરી રહ્યા છે તે હવે મોટો સવાલ બની ગયો છે.
ગોધરા તાલુકામાં આવા તો કેટલા કિસ્સા?
આ માત્ર એક શાળા પૂરતો સીમિત કિસ્સો નથી. સ્થાનિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાની અન્ય કેટલીય શાળાઓમાં પણ સરકારી પરિપત્રો અને નિયમોના આ જ રીતે સરેઆમ ધાજીયા ઉડી રહ્યા છે. શિક્ષણ વિભાગના પરિપત્રો માત્ર કાગળ પરના શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે.
સત્તાધીશો ક્યારે જાગશે?
સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઉભો થાય છે કે, આટલી ખુલ્લેઆમ ગેરરીતિ અને પરિપત્રનું ઉલ્લંઘન થતું હોવા છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) સહિતના ઉચ્ચ સત્તાધીશો શા માટે મૌન સેવીને બેઠા છે? શું જવાબદાર અધિકારીઓને આ ઉલ્લંઘન દેખાતું નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?
હાલ તો આ સમગ્ર મામલે શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. યોગ્ય અને હકદાર સિનિયર શિક્ષકને તેમનો ન્યાયી હક મળે અને પરિપત્રનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વહીવટી પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. જો ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએથી આ મામલે યોગ્ય તપાસ કરી ન્યાયી નિર્ણય લેવામાં નહીં આવે, તો આ મુદ્દો ઉચ્ચ સ્તરે પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.
તાલુકા અને જિલ્લા શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી: નિયમો માત્ર કાગળ પર જ રહેતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે રોષ
