નવી દિલ્હી: માત્ર 36 દિવસમાં દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બનેલું જનરેશન-ઝેડ (Gen-Z)નું વિદ્યાર્થી આંદોલન હવે નવા રાજકીય અને સામાજિક સંકેતો આપી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની એક ટિપ્પણી બાદ ઉભી થયેલી કોંકરોચ જનતા પાર્ટી (CJP)એ દાવો કર્યો છે કે તેના આંદોલનના પરિણામે શિક્ષણ તંત્રમાં અનેક ફેરફારો થયા છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધીની પરિસ્થિતિ સર્જાઈ. જોકે, આ દાવાઓ અંગે સરકાર તરફથી તમામ મુદ્દાઓ પર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જંતર-મંતર ખાતેનું વિરોધ પ્રદર્શન સમાપ્ત થયા બાદ CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, “આ માત્ર ટ્રેલર છે, આખી ફિલ્મ હજુ બાકી છે. દેશનો યુવાન હવે પોતાના અધિકારો માટે જાગૃત થયો છે. જવાબદારી નક્કી કરાવવી એ લોકશાહીની સૌથી મોટી જીત છે.”
સંગઠનના જણાવ્યા અનુસાર, આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે પરીક્ષા પ્રણાલી, પેપર લીક, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને જવાબદારી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. CJPએ એવો પણ દાવો કર્યો કે પેપર લીકના કારણે જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડ વળતર આપવા અંગે સરકાર તરફથી સૈદ્ધાંતિક સહમતિ વ્યક્ત કરવામાં આવી છે.
ડિજિટલ પ્લેટફોર્મ બન્યું સૌથી મોટું હથિયાર
પરંપરાગત વિદ્યાર્થી સંગઠનોને બદલે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી દેશભરના યુવાનોને એક મંચ પર લાવવાનો પ્રયાસ આ આંદોલનની સૌથી મોટી વિશેષતા રહી. ચૂંટણી પંચમાં નોંધાયેલી રાજકીય પાર્ટી ન હોવા છતાં CJPએ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીના મુદ્દાને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવ્યો.
આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ, ડૉક્ટરો, વકીલો, ગૃહિણીઓ, મધ્યમવર્ગના નાગરિકો અને વિવિધ ક્ષેત્રના વ્યાવસાયિકોએ પણ ખુલ્લેઆમ સમર્થન વ્યક્ત કર્યું હોવાનું સંગઠનનો દાવો છે.
આંદોલન પૂર્ણ થતાં પરિવારમાં રાહત
આંદોલનમાં સક્રિય રહેલા અભિજીત દીપકેના પરિવારજનોએ આંદોલન પૂર્ણ થતાં રાહત વ્યક્ત કરી હતી. તેમની માતાએ જણાવ્યું કે, દીકરાની સલામતી અંગે સતત ચિંતા રહેતી હતી અને હવે તે સુરક્ષિત ઘરે પરત ફરે તે જ સૌથી મોટી ખુશી છે.
CJPના મુખ્ય દાવા
- શિક્ષણ મંત્રાલય હેઠળના વિવિધ વિભાગોમાં મોટા વહીવટી ફેરફારો થયા.
- પેપર લીક કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની દિશામાં કાર્યવાહી આગળ વધી.
- જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) કાયદાને વધુ કડક બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ.
- વિદ્યાર્થીઓના પ્રશ્નોને દેશવ્યાપી ચર્ચાના કેન્દ્રમાં લાવવામાં સફળતા મળી.
લોકશાહીમાં જનઆંદોલનોની અસર
ભારતના લોકશાહી ઇતિહાસમાં અગાઉ પણ અનેક જનઆંદોલનોના પગલે સરકારોને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડ્યા છે. અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાદ લોકપાલ કાયદો અમલમાં આવ્યો હતો. ખેડૂતોના લાંબા આંદોલન બાદ કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા હતા. CAA વિરોધી આંદોલન પણ લાંબા સમય સુધી દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો હતો.
રાજકીય ચર્ચા તેજ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. CJP તેને પોતાના આંદોલનની મોટી સફળતા ગણાવી રહ્યું છે, જ્યારે રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ સમગ્ર ઘટનાક્રમનું મૂલ્યાંકન સત્તાવાર તથ્યો અને સરકારના નિવેદનોના આધારે જ કરવું યોગ્ય રહેશે.
ડિજિટલ યુગમાં યુવાનો દ્વારા ઉભું કરાયેલું આ આંદોલન પરંપરાગત રાજકીય માળખાથી અલગ પ્રકારનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં આંદોલનની અસર શિક્ષણ નીતિ અને રાજકીય ચર્ચા પર કેટલી ઊંડી પડે છે તેના પર સૌની નજર રહેશે.
