મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના જવાબદાર સત્તાધીશો અને પ્રજાના ટેક્સના નાણાંથી ચાલતા સરકારી કામોમાં કોન્ટ્રાક્ટરોની કેવી “લાલિયાવાડી” ચાલે છે, તેનો એક તાજો અને ચોંકાવનારો નમૂનો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેત્રાલ ગામેથી સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મેત્રાલ ગામે વીજ તંત્ર દ્વારા Underground (UG) કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વાપરવામાં આવેલા અત્યંત કિંમતી XLP-185 UG કેબલના મોટા-મોટા ડ્રમ ખાલી થયા બાદ કોન્ટ્રાક્ટર અને તેના માણસો તેને જવાબદારીપૂર્વક ઉપાડી જવાની જગ્યાએ રસ્તા પર જ બિનવારસી અને લાવારિસ હાલતમાં છોડીને રવાના થઈ ગયા છે.!!
સરકારી સંપત્તિ રામભરોસે!
જે XLP-185 કેબલ ડ્રમની કિંમત લાખો રૂપિયામાં થાય છે અને કામ પૂર્ણ થયા બાદ તેને સુરક્ષિત સ્ટોરરૂમ કે MGVCLની સબ-ડિવિઝન ઑફિસે જમા કરાવવાના હોય છે, તેને ગામના જાહેર રસ્તા કે ખુલ્લી જગ્યામાં રખડતા મૂકી દેવાયા છે.
- ચોરી કે નુકસાન થાય તો જવાબદાર કોણ ? :
આ રીતે કિંમતી માલસામાન ખુલ્લામાં પડ્યો રહેવાથી ચોરી થવાનો કે તેને નુકસાન પહોંચવાનો પૂરતો ભય સેવાઈ રહ્યો છે.
- MGVCLના અધિકારીઓનું મૌન : શું વીજ કંપનીના નાયબ ઈજનેર કે સુપરવાઈઝર લેવલના અધિકારીઓ સ્થળ તપાસ કરવા આવતા નથી? કે પછી કોન્ટ્રાક્ટર સાથેની કોઈ “અંદરખાને ગોઠવણ”ના કારણે આ બેદરકારી આંખ આડા કાન કરવામાં આવી રહી છે?
સ્થાનિકોમાં ભારે રોષ
મેત્રાલ ગામના જાગૃત નાગરિકોમાં વીજ કંપનીની આ નફ્ફટાઈ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે કામગીરી ‘ઓકે’ બતાવીને હાથ અધ્ધર કરી લેતા કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બિનવારસી છોડી દેવાયેલા કેબલ ડ્રમ તાત્કાલિક ધોરણે કબજે લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહે છે કે આ સમાચાર વહેતા થયા બાદ MGVCLના ઉચ્ચ અધિકારીઓ જાગીને કામચોર કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરે છે કે પછી હંમેશની જેમ કાગળ પર ઘોડા દોડાવીને વાત રફેદફે કરી દે છે.!!
