ઘોઘંબા તાલુકાના ચાઠા ગામમાં શનિવારે મધરાત્રિએ દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ત્રણ બકરાં પર હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. હુમલામાં બે બકરાંનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બકરાને દીપડો ઢસડીને જંગલ તરફ લઈ ગયો હતો. ઘટનાથી પશુપાલકને આર્થિક નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે 12થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન દીપડો ચાઠા ગામના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. એક મકાનમાં પ્રવેશ કરી બાંધેલા બકરાં પર તેણે અચાનક હુમલો કર્યો હતો. બકરાંના બૂમાબૂમના અવાજથી પરિવારજનો જાગી ઊઠ્યા, પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ બે બકરાંને મારી નાખ્યાં હતાં અને એક બકરાને ઢસડીને જંગલ તરફ ભાગી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વહેલી સવારથી સમગ્ર ગામમાં ઘટનાની ચર્ચા ચાલી રહી છે. દીપડાના સતત વધતા આતંકને કારણે ખાસ કરીને બાળકો, મહિલાઓ અને પશુપાલકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે. ગ્રામજનો હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળતાં પણ ડરી રહ્યા છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે વન વિભાગને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના ટાળી શકાય તેમ હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ વન વિભાગની નિષ્ક્રિયતાના કારણે હવે નિર્દોષ પશુઓ ભોગ બની રહ્યા છે.
ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને તાત્કાલિક પાંજરે પુરવાની, રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ શરૂ કરવાની, અસરગ્રસ્ત પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની તેમજ રહેણાંક વિસ્તારની સુરક્ષા વધારવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ માનવી પર હુમલો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
ચાઠા ગામની આ ઘટનાએ ફરી એકવાર જંગલને અડીને આવેલા ગામોમાં માનવ અને વન્યજીવો વચ્ચે વધી રહેલા સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉજાગર કર્યો છે. હવે ગ્રામજનોની નજર વન વિભાગની કામગીરી પર મંડાઈ છે કે વિભાગ દીપડાના આતંકને કાબૂમાં લેવા કેટલા ઝડપથી અસરકારક પગલાં ભરે છે.
