ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર સામે આવેલા સહીયોગ કોમ્પલેક્ષમાં ‘નંદન કુરિયર’ની ફ્રેન્ચાઇઝી ધરાવતા સંચાલકે ગ્રાહકો પાસેથી નક્કી કરેલા વજન મુજબ પૂરેપૂરી રકમ વસૂલી કંપનીના સોફ્ટવેરમાં ઓછી રકમ દર્શાવી આર્થિક નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના દશરથ ગામ ખાતે આવેલ ભુસલેશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા મનીષભાઇ ગોરધનભાઇ જોષી દ્વારા ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગોધરાના સહયોગ કોમ્પલેક્ષ ખાતે ‘મારૂતી નંદન એન્ટરપ્રાઇઝ’ નામે વ્યવસાય કરતા નારાયણભાઈ એચ. ભોગાયતાએ નંદન કુરિયર કંપની પાસેથી ફ્રેન્ચાઇસી મેળવી હતી અને કુરિયર સેવાઓ શરૂ કરી હતી. તા. ૦૩/૦૨/૨૦૨૨ થી તાજેતર સુધીના સમયગાળા દરમિયાન નારાયણભાઇ ભોગાયતાએ કુરિયર બુકિંગ વખતે ગ્રાહકો પાસેથી નિયમ મુજબ નક્કી કરેલ વજન પ્રમાણે પૂરેપૂરી રકમ મેળવી લીધી હતી.પરંતુ, કંપનીમાં હિસાબ આપતી વખતે પોતાના આર્થિક ફાયદા માટે કંપનીના સોફ્ટવેરમાં વસૂલેલ રકમ કરતા ઓછી રકમ દર્શાવીને બાકીના નાણાં ઓળવી ગયા હતા. આ રીતે નારાયણભાઈએ લાંબા સમયથી કંપનીને ભારે આર્થિક નુકસાન પહોંચાડી ગંભીર વિશ્વાસઘાત કર્યો હતો.આ સમગ્ર મામલે મનીષભાઇ જોશીએ ગોધરા ‘એ’ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
