પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ બે કેસ નોંધાયા છે. આ પૈકી ગોધરા તાલુકાની 7 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે હાલોલના 7 વર્ષના બાળકને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુનો કુલ આંકડો 6 પર પહોંચ્યો છે.
ગોધરા તાલુકાના ગોવિંદી ગામે રહેતી 7 માસની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીને 22 જુલાઈના રોજ તબિયત લથડતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટૂંકી સારવાર બાદ 24 જુલાઈના રોજ તેનું મૃત્યુ થયું હતું. બાળકીનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કુલ 25 કેસ સામે આવ્યા છે. નોંધાયેલા 6 મૃત્યુ પૈકી, 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, 3ના રિપોર્ટ નેગેટિવ હતા, અને હાલ મૃત્યુ પામેલી બાળકીનો રિપોર્ટ પ્રતીક્ષા હેઠળ છે.કુલ 25 દર્દીઓમાંથી16 દર્દીઓ સંપૂર્ણ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 3 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં સતત વધી રહેલા કેસ અને બાળકોના મોતને કારણે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સર્વે અને દવાનો છંટકાવ કરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
