કાલોલ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધાસભર માર્ગો મળી રહે તે હેતુથી ₹2.10 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં સી.સી. ટ્રિમિક્સ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ ગોધરા સ્થિત ‘આશિષ કન્સ્ટ્રક્શન એજન્સી’ને સોંપવામાં આવ્યું છે. જોકે, કામગીરીના પ્રારંભિક તબક્કામાં જ હલકી ગુણવત્તાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો છે..વોર્ડ નંબર ૩માં ‘ત્રણ ફાણસ’થી ‘હનુમાન મંદિર’ સુધીના માર્ગ પર સી.સી. ટ્રિમિક્સ રોડનું કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક રહીશોના મતે, રોડનું લેવલિંગ યોગ્ય રીતે જાળવવામાં આવ્યું ન હતું અને પી.સી.સી. કામગીરીમાં નિર્ધારિત ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો હતો.
આ અંગે જાણ થતાં જ શેઠ ફળિયાના રહીશો અને પૂર્વ પાલિકા સભ્ય અંજનાબેન મહેતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રૂબરૂ નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબ કામ ન થતું હોવા અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો. ચોમાસામાં સી.સી. રોડ બનાવવાની સમય મર્યાદા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. રહીશોના ઉગ્ર વિરોધ અને પ્રદર્શનને કારણે રોડ નિર્માણનું કાર્ય તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની ફરજ પડી હતી.આ અંગે નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજીએ જણાવ્યું હતું કે,
” “હજુ તો મટીરિયલ નાખવામાં આવ્યું છે અને પી.સી.સી. શરૂ કરવામાં આવ્યું છે. વરસાદને કારણે કામ બંધ કરવામાં આવ્યું છે. ટેન્ડર મુજબ જ કામ શરૂ થશે.”
સ્થાનિક લોકોએ માંગ કરી છે કે ટેન્ડરના નિયમો અને નિર્ધારિત માપદંડો મુજબ જ ગુણવત્તાયુક્ત કામગીરી ફરી શરૂ કરવામાં આવે અને કરોડો રૂપિયાના લોકકલ્યાણના આ કામમાં કોઈ બેદરકારી ન રાખવામાં આવે
