ગોધરા સબ જેલમાં ફરજ બજાવતા જેલ સિપાહી પર ત્રણ કેદીઓએ અસભ્ય વર્તન, ગાળાગાળી અને ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય કેદીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, તા. 22 જુલાઈના રોજ બપોરના સમયે ગોધરા સબ જેલ ખાતે જેલ સિપાહી અરબાઝખાન ઝાકીર હુસેન પઠાણ ફરજ પર હાજર હતા. તે દરમિયાન કેદી જુનેદ સુલેમાન ભાગલિયા સારવાર અંગે રજૂઆત કરવા આવ્યો હતો. સિપાહીએ તેને સમજાવ્યું હતું કે તે જ દિવસે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવીને આવ્યો હોવાથી હાલ ફરી સારવાર માટે મોકલી શકાય તેમ નથી.
આ વાતથી ઉશ્કેરાયેલા જુનેદ સુલેમાન ભાગલિયાએ ઊંચા અવાજે બોલાચાલી શરૂ કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કરી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ તે પોતાના સાથી કેદીઓ ઉમર ફારુક અબ્દુલ ગની બદામ અને ઇમરાન મોહમદ હનીફ જર્દાને સાથે લઈને ફરી જેલ સિપાહી પાસે આવ્યો હતો.
ત્રણેય કેદીઓએ ઉશ્કેરાઈને સિપાહીને ધમકીભર્યા સ્વરે કહ્યું કે, “અમે બહાર સિવિલમાં જઈ સારવાર કરાવીએ કે ફોટા પડાવીએ, એમાં તમારે શું?” ત્યારબાદ ગાળાગાળી કરી સિપાહીની વર્દીનો ફેટ પકડી ધક્કો મારી તેમને નીચે પાડી દીધા હતા.
આ બનાવ દરમિયાન ત્રણેય કેદીઓએ એકબીજાની મદદગારી કરી સરકારી કર્મચારીને તેમની કાયદેસરની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે ગોધરા એ-ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી કેદીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
