વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન
(વડોદરા, તા.૨૩)
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૬ થી તા. ૨૫/૦૭/૨૦૨૬ દરમિયાન વડોદરા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ ભારે વરસાદના પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે એક મહત્ત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ આજે તા.૨૪/૦૭/૨૦૨૬,શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાનૂની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા જિલ્લાના તમામ નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ નોંધ લેવા જાહેરનામા મારફત જણાવાયું છે.
