ગોધરા.તા..
ગોધરા શહેરના લીલેસર રોડ નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરવામાં આવેલા રબર અને ટાયરના સ્ક્રેપના જથ્થામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આગ જોતજોતામાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટના અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ બે ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી.સદ્નસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઇજા થવા પામી નથી. પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
