અવધ એક્સપ્રેસ l ડેસર
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા એ.આઈ.યુ. (એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ) વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાના પ્રથમ દિવસે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ યુનિવર્સિટીઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આકર્ષક માર્ચપાસ્ટ યોજાઈ હતી, જેમાં કુલ ૧૧૭ યુનિવર્સિટીના ૧,૬૩૮ ખેલાડીઓએ ભાગ લઈને રમતગમતની ભાવના અને એકતાનો પરિચય કરાવ્યો હતો.

સ્પર્ધાના પ્રથમ દિવસે કુલ ૩૬ મેચો રમાઈ હતી, જ્યારે આજે બીજા દિવસે વધુ ૨૪ મેચો રમાશે. સ્પર્ધામાં ભાગ લેનારી ટીમોને કુલ ચાર પુલ એટલે કે A, B, C અને D ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ચારેય ગ્રુપમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એક-એક ટીમ આગળના તબક્કામાં પ્રવેશ મેળવશે. ત્યારબાદ ચારેય ટીમો વચ્ચે લીગ મેચો રમાડવામાં આવશે.

સ્પર્ધાના અંતે વિજેતા ચેમ્પિયન ટીમ તેમજ પ્રથમ અને દ્વિતીય રનર્સઅપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ યુનિવર્સિટી કક્ષાના ખેલાડીઓને પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવવા માટે મંચ પૂરો પાડવાનો અને રમતગમતને પ્રોત્સાહન આપવાનો છે.
આ સમગ્ર સ્પર્ધા અંગે પ્રો. ડો. રણછોડ રથવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ યુનિવર્સિટીઓના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ રોમાંચક મુકાબલા જોવા મળશે.
