અવધ એક્સપ્રેસ | ડેસર
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના યજમાનપદે AIU વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા વોલીબોલ સ્પર્ધાનું આયોજન તા. ૧૬ નવેમ્બરથી ૧૯ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું છે. ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં વેસ્ટ ઝોનના વિવિધ રાજ્યોની કુલ ૧૧૭ યુનિવર્સિટીઓની ટીમો ભાગ લેશે.
આ સ્પર્ધામાં અંદાજે ૧,૬૩૮ જેટલી મહિલા ખેલાડીઓ તથા ૨૩૪ જેટલા કોચ અને મેનેજર મળીને કુલ ૧,૮૭૨ જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ વર્ષે મહિલા વોલીબોલ સ્પર્ધામાં અત્યાર સુધીની સૌથી વધુ ટીમોની ભાગીદારી નોંધાઈ રહી છે, જે રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભાઓ માટે એક મહત્વપૂર્ણ અવસર બની રહેશે.
સ્પર્ધાનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ તા. ૧૬ નવેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાશે. જેમાં વિવિધ યુનિવર્સિટીઓની ટીમો દ્વારા માર્ચપાસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ચાર દિવસ સુધી વોલીબોલની રસપ્રદ સ્પર્ધાઓ યોજાશે.

આ સમગ્ર આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મનીષ રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સ્પર્ધાનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ વિભાગના ડિરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવી દ્વારા કરવામાં આવ્યું છે.
સ્પર્ધાના નિરીક્ષણ માટે AIUના નિષ્ણાત નિરીક્ષક તરીકે બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રો. ડૉ. વિક્રમસિંઘ ઉપસ્થિત રહેશે. જ્યારે સ્પર્ધાના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે પ્રો. ડૉ. યોગેશકુમાર જાની જવાબદારી સંભાળશે. ટેકનિકલ કામગીરીમાં સ્ટેટ વોલીબોલ એસોસિએશનના નિષ્ણાત રેફરી ડૉ. નરેન્દ્રસિંહ ક્ષત્રિય સેવા આપશે.
આ રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાને સફળ બનાવવા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ વિભાગના ડિરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવીએ માહિતી આપી હતી.
આ સ્પર્ધા મહિલા ખેલાડીઓને પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવવા તેમજ આંતર યુનિવર્સિટી સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.
* દેશભરની ૧૧૭ યુનિવર્સિટીઓની ૧,૮૭૨ જેટલી ખેલાડીઓ અને કોચ-મેનેજરો લેશે ભાગ
