કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૧૮
જનનાયક શહીદ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે આજે છોટાઉદેપુરના ખૂટાલીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘ દ્વારા જિલ્લામાં પ્રથમ વખત આયોજિત આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા,છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ સુરજીભાઈ રાઠવા, કાળુભાઇ નાયકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના સરપંચો, સામાજિક અગ્રણી વાલસિંહભાઈ રાઠવા, ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તેમજ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી ૪૫ જેટલી ક્રિકેટ ટીમોના ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાએ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે યુવાનોમાં રહેલી સુષુપ્ત રમતગમતની શક્તિઓને બહાર લાવવા માટે આ સમગ્ર ટૂર્નામેન્ટનું સુંદર અને રસપૂર્વક આયોજન કરનાર ધંધોડાના સરપંચ પારસિંગભાઈ રાઠવાને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
મહાનુભાવોએ આશા વ્યક્ત કરી હતી કે છોટાઉદેપુર ખાતે દર વર્ષે આ પ્રકારની ટૂર્નામેન્ટનું આયોજન થતું રહે, જેથી જિલ્લામાંથી શ્રેષ્ઠ રમતવીરો તૈયાર થાય અને તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે.
