અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના અંજેસર ગામે બનેલી દુઃખદ ઘટના, ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને નીચે ઉતારાયો; મંજુસર પોલીસે તપાસ હાથ ધરી
સાવલી તાલુકાના અંજેસર ગામે વીજળીના થાંભલા પર ચઢી ગયેલા 22 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી તાલુકાના બળવાના તલાવડી ગામે રહેતા રમેશભાઈ રયજીભાઈ સોલંકી (ઉં.વ. 22) આજે સવારથી અંજેસર ગામમાં જોવા મળ્યા હતા. દરમિયાન બપોરના સમયે તેઓ અચાનક વીજળીના થાંભલા પર ચઢી ગયા હતા. તે સમયે વીજ લાઇનમાં વીજ પ્રવાહ ચાલુ હોવાથી તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી અને તેમની મદદથી વીજ થાંભલા પરથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ શરૂ કરી હતી.
22 વર્ષીય યુવકના અચાનક થયેલા મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
