ડાયાબિટીસને સમજવા માટે આપણા શરીરની અંદરની રચના જાણવી અનિવાર્ય છે. આપણા પેટમાં સ્વાદુપિંડ (Pancreas) નામનું અંગ આવેલું છે, જેમાંથી ‘ઇન્સ્યુલિન’ નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે. આ હોર્મોનનો મુખ્ય ગુણધર્મ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી બનતા ગ્લુકોઝ (ખાંડ)ને લોહી દ્વારા શરીરના દરેક કોષ સુધી પહોંચાડવાનો છે, જેથી શરીરને જરૂરી ઊર્જા (Energy) મળી રહે.
પરંતુ જ્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા બનેલું ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરી શકતું નથી, ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અસાધારણ રીતે વધી જાય છે. આ સ્થિતિને ડાયાબિટીસ કહે છે.
ડાયાબિટીસના મુખ્ય પ્રકારો:
1. ટાઇપ-૧ ડાયાબિટીસ (Type-1 Diabetes):
આમાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર ભૂલથી સ્વાદુપિંડના ઇન્સ્યુલિન બનાવતા કોષો પર હુમલો કરીને તેને નષ્ટ કરી દે છે. આથી શરીરમાં બિલકુલ ઇન્સ્યુલિન બનતું નથી. આ પ્રકાર સામાન્ય રીતે નાની ઉંમરના બાળકો કે યુવાનોમાં જોવા મળે છે અને દર્દીએ બહારથી ઇન્સ્યુલિન લેવું પડે છે.
2. ટાઇપ-૨ ડાયાબિટીસ (Type-2 Diabetes):
આ સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલ રહેતા નથી (ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ). તે બેઠાડુ જીવનશૈલી અને ખરાબ આહાર સાથે સીધો સંબંધ ધરાવે છે.
3. જેસ્ટેશનલ ડાયાબિટીસ (Gestational Diabetes):
આ પ્રકાર ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સ્ત્રીઓમાં જોવા મળે છે, જે બાળકનાં જન્મ પછી સામાન્ય રીતે ઠીક થઈ જાય છે, પરંતુ ભવિષ્યમાં ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.
ડાયાબિટીસ વિશેની કેટલીક અજાણી અને મહત્ત્વપૂર્ણ વાતો
ઘણા લોકો માને છે કે ડાયાબિટીસ ફક્ત ગળ્યું ખાવાથી જ થાય છે, પરંતુ હકીકત આનાથી કંઈક અલગ છે:
સ્ટ્રેસ અને ઊંઘનો સીધો સંબંધ
માત્ર ખાંડ જ નહીં, પરંતુ સતત માનસિક તાણ (Stress) અને પૂરતી ઊંઘ ન લેવી પણ લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારી દે છે. તણાવ દરમિયાન શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સ છૂટા પડે છે જે બ્લડ સુગર વધારે છે.
આંતરડાના બેક્ટેરિયા (Gut Microbiome):
તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે આપણા પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનું અસંતુલન પણ ઇન્સ્યુલિનની કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી આ સારા બેક્ટેરિયા નાશ પામે છે.

’પ્રિ-ડાયાબિટીસ’ અવસ્થા
ડાયાબિટીસ એક જ રાતમાં થતું નથી. તે પહેલાં ‘પ્રિ-ડાયાબિટીસ’ સ્ટેજમાંથી પસાર થાય છે, જ્યાં સુગર લેવલ સામાન્ય કરતાં થોડું વધારે હોય છે. જો આ તબક્કે જ સાવચેતી રાખવામાં આવે તો ડાયાબિટીસને સંપૂર્ણપણે રોકી શકાય છે.
દાંત અને પેઢાનો રોગ
ડાયાબિટીસ સીધી રીતે મોંના સ્વાસ્થ્ય પર અસર કરે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમને પેઢામાંથી લોહી નીકળવું કે પાયોરિયા જેવી સમસ્યાઓ ઝડપથી થાય છે.
લક્ષણો: શરીર દ્વારા અપાતા ચેતવણીના સંકેતો
શરૂઆતના તબક્કે ડાયાબિટીસ કોઈ ખાસ લક્ષણો દર્શાવતો નથી, તેથી તેને ‘સાયલન્ટ કિલર’ કહે છે. છતાં જ્યારે શર્કરાનું પ્રમાણ વધે ત્યારે નીચે મુજબના લક્ષણો જોવા મળી શકે છે:
વારંવાર પેશાબ થવો (ખાસ કરીને રાત્રે).
અતિશય તરસ લાગવી અને મોં સૂકાવું.
ખૂબ ભૂખ લાગવા છતાં વજન અચાનક ઘટવું.
સતત થાક, અશક્તિ અને નબળાઈ અનુભવાવી.
આંખોથી ઝાંખું દેખાવું
શરીર પર થયેલા ઘા અથવા ઇજાને રૂઝાવામાં ખૂબ લાંબો સમય લાગવો.
હાથ-પગમાં અવારનવાર બળતરા કે બહેરાશ
(ઝણઝણાટી) અનુભવાવી.
જો સમયસર કાળજી ન લેવાય તો થતા ગંભીર જોખમો
જો ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહે તો તે શરીરના મહત્વપૂર્ણ અંગોને ધીમે-ધીમે ખોખલા કરી નાખે છે:
હૃદય અને રક્તવાહિનીઓ
હાર્ટ અટેક અને હાઇ બ્લડ પ્રેશરનું જોખમ અનેકગણું વધી જાય છે.
કિડની ફેલ્યોર
લાંબા સમય સુધી હાઈ સુગર રહેવાથી કિડનીની રક્તવાહિનીઓને નુકસાન થાય છે, જેથી ડાયાલિસિસની નોબત આવી શકે છે.
આંખોની દૃષ્ટિ (Retinopathy):
આંખના પડદાને નુકસાન થવાથી અંધાપો પણ આવી શકે છે.
ડાયાબિટીસ ફૂટ (Diabetic Foot)
પગની નસો બુઠ્ઠી થવાથી અને ઘા ન રૂઝાવાથી સેપ્સિસ જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે.
બચાવ અને નિયંત્રણના અકસીર ઉપાયો
ડાયાબિટીસ એ જીવનનો અંત નથી, પરંતુ જીવનશૈલીમાં શિસ્ત લાવવાની ચેતવણી છે. જો નીચેની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેના પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે:
1. સંતુલન અને પૌષ્ટિક આહાર
ખોરાકમાં મેદાની બનાવટો, રિફાઇન્ડ ખાંડ, ઠંડાં પીણાં અને જંકફૂડ ત્યજી દેવા જોઈએ. તેના બદલે ફાઇબરયુક્ત ખોરાક જેમ કે લીલાં શાકભાજી, આખી ડાકુઓ, કઠોળ, ઓટ્સ, સલાડ અને ફળોનો ભરપૂર ઉપયોગ કરવો.
2. નિયમિત શારીરિક શ્રમ
રોજ ઓછામાં ઓછી ૩૦ થી ૪૫ મિનિટ ઝડપી ચાલવું (Walking), યોગાસન, પ્રાણાયામ (જેમ કે કપાલભાતિ અને અનુલોમ વિલોમ) કે સાઇકલિંગ કરવું જોઈએ. એક જ જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાની આદત બદલવી જરૂરી છે.
3. વજન નિયંત્રણ અને પૂરતી ઊંઘ
શરીરનું વજન કાબૂમાં રાખવું અને રાત્રે ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લેવી હોર્મોન્સને સંતુલિત રાખે છે.
4. નિયમિત મેડિકલ ચેકઅપ
ડૉક્ટરની સલાહ વિના દવાઓ બંધ કરવી કે બદલવી નહીં. સમયાંતરે બ્લડ સુગર (Fasting & PP) અને HbA1c ટેસ્ટ નિયમિત કરાવતા રહેવું.
આપણા વડીલો કહેતા આવ્યા છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા”. પૈસા, પ્રતિષ્ઠા અને ભૌતિક સુખ-સગવડ મેળવવા માટે આપણે આખી જિંદગી મહેનત કરીએ છીએ, પરંતુ જો આપણું શરીર સ્વસ્થ ન હોય તો આ બધી સંપત્તિનો કોઈ જ અર્થ સરતો નથી.
આજના વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે આપણે સૌ એક દ્રઢ સંકલ્પ કરીએ કે સ્વાદ કરતાં આપણા સ્વાસ્થ્યને વધુ પ્રાથમિકતા આપીશું. નિયમિત કસરત કરીશું, સંતુલિત આહાર અપનાવીશું અને સમયસર આરોગ્યની તપાસ કરાવીશું. સાથે મળીને ડાયાબિટીસ વિશેની સાચી જાણકારી સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડીશું, કારણ કે
“જાગૃતિ એ જ સાચો બચાવ છે.”
આજના આ પવિત્ર અવસર અને નવા વર્ષના આગમન સાથે પ્રભાતના સૂર્યના સોનેરી કિરણો સૌના જીવનમાં નવો મંગલમય પ્રકાશ ભરે, આપ સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેમજ પૃથ્વી પરના દરેક જીવ માટે આ નવું વર્ષ સુખ, શાંતિ અને આનંદમય રહે તેવી હૃદયપૂર્વકની મંગલમય શુભકામનાઓ!
અતુલભાઈ ઠક્કર
જામનગર
