ગોઠડાની સ્ટરલાઇટ કંપનીમાં 12 મીટરની ઊંચાઈએથી પટકાતાં કર્મચારીનું મોત વેલ્ડિંગ કામ દરમિયાન સેફ્ટી બેલ્ટનો હૂક છૂટી જતાં 49 વર્ષીય કર્મચારીને ગંભીર ઇજા; એસએસજી હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યા
સાવલીતાલુકાના ગોઠડા ગામે કરચિયા રોડ પર આવેલી સ્ટરલાઇટ ઇલેક્ટ્રિક લિમિટેડ કંપનીમાં વેલ્ડિંગ કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીના લેબ વિભાગમાં આશરે 12 મીટરની ઊંચાઈએ સેડ પર વેલ્ડિંગ કામ કરી રહેલા 49 વર્ષીય કર્મચારીનું નીચે પટકાતાં મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રહેવાસી મેથ્યુ ચારીવિલ કોશી કંપનીમાં ફરજ બજાવતા હતા. તેઓ સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ પહેરી બૂમ લિફ્ટ મારફતે સેડ પર ચઢીને વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક પગ લપસતાં સેફ્ટી બેલ્ટનો હૂક છૂટી ગયો હતો, જેના કારણે તેઓ આશરે 12 મીટરની ઊંચાઈએથી નીચે જમીન પર પટકાયા હતા.

અકસ્મતામાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સાવલી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
