એક તરફ સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત અભિયાન’ પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગોધરા નગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરના મુખ્ય આર્થિક કેન્દ્ર સમાન પોલન બજાર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરના હાર્દસમા વિસ્તારમાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
પોલન બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નિયમિત સફાઈ થતી ન હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે. બજારના મુખ્ય માર્ગો અને ગલીઓમાં ઠેર-ઠેર કચરા અને એઠવાડના ખડકાયેલા ઢગલાઓથી દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ગંદકીના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી જતાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
ગોધરાનું પોલન બજાર દૈનિક હજારો લોકોની અવરજવરથી ધમધમતું બજાર છે. કચરાના સામ્રાજ્ય વચ્ચે વેપાર કરવો વેપારીઓ માટે અસહ્ય બની ગયો છે, તો બીજી તરફ ખરીદી અર્થે આવતા નાગરિકોને નાક પર રૂમાલ રાખીને પસાર થવાની નોબત આવી છે. વેપારીઓનું કહેવું છે કે ગંદકીના કારણે ગ્રાહકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે, જેનાથી તેમના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે.

સ્થાનિકોનો સૂર છે કે વેરા ઉઘરાવવામાં ઉત્સાહ દાખવતું નગરપાલિકા તંત્ર પ્રાથમિક સુવિધા સમાન સફાઈ કામગીરી પ્રત્યે સંપૂર્ણપણે આંખ આડા કાન કરી રહ્યું છે. જો શહેરના મુખ્ય બજારની આ સ્થિતિ હોય, તો અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ કેવી હશે? તે એક મોટો સવાલ છે. “સ્વચ્છ ગોધરા”ના ગુલાબી દાવાઓ માત્ર સરકારી કાગળો અને ફ્લેક્સ બેનરો પૂરતા જ સીમિત રહી ગયા હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે.
સ્થાનિક રહીશો અને વેપારી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે પોલન બજાર વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવે અને નિયમિત સફાઈની કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સ્થાનિકો દ્વારા પાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
