સંજેલી તાલુકાના શાંત ગણાતા કરંબા ગામે થોડા દિવસો પૂર્વે એક યુવકના અકસ્માતે મોતે ભારે આક્રોશ અને અજંપો સર્જ્યો હતો. પરિવારે આ બનાવને અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની દ્રઢ શંકા વ્યક્ત કરી હતી. આ જ વેરઝેર અને અદાવતમાં ગામના જ એક યુવક પર શંકા રાખી તેનું અપહરણ કરી દોરડા વડે બાંધી દેવાતાં સ્થિતિ ભારે સ્ફોટક બની હતી.
સ્થિતિ કાબૂ બહાર જતાં યુવકના પિતાએ તુરંત ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસની મદદ માગી હતી. બનાવની ગંભીરતા જોઈ ૧૧૨ની ઈમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ ક્રોધે ભરાયેલા ટોળાએ અચાનક ઉશ્કેરાઈને પોલીસની ગાડીઓ પર અંધાધૂંધ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
ટોળાના ભારે પથ્થરમારામાં પોલીસ વાહનોના કાચ ચૂર-ચૂર થઈ ગયા હતા. સ્થિતિ થાળે પાડવા વચ્ચે પડેલા સરપંચની XUV કાર પણ ક્રોધનો ભોગ બની હતી. સમગ્ર રોડ પર તૂટેલા કાચ અને પથ્થરોના ખડકલા થઈ જતાં આખો વિસ્તાર યુદ્ધના મેદાન જેવો ભાસતો હતો.
પોલીસ પર હુમલાના સમાચાર મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. DySP, SOG, LCB સહિત PI અને PSIની આગેવાની હેઠળ લગભગ ૧૫ જેટલી પોલીસ ટીમોએ કરંબા ગામને ચારેય તરફથી કોર્ડન કરી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મહિલાઓ અને પુરૂષો મળી કુલ ૨૨ જેટલા શંકાસ્પદોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.
ડુંગરાળ વિસ્તારમાં ભાગી છૂટેલા આરોપીઓ માટે સર્ચિંગ તેજ
હુમલાખોરો આસપાસના ડુંગરાળ વિસ્તારમાં ભાગી છૂટ્યા હોવાની બાતમી મળતાં જ પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ડુંગરો ખૂંદવાનું શરૂ કર્યું છે. હાલ હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો ડુંગરાળ વિસ્તારમાં કોમ્બિંગ ચલાવી રહી છે.
હાલ કરંબા ગામમાં ભારે તંગદિલી વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગામના ખૂણે-ખૂણે પોલીસ ટીમો તૈનાત કરી દેવાતાં સમગ્ર કરંબા ગામ હાલ ‘પોલીસ છાવણી’માં ફેરવાઈ ગયું છે.
