અવધ એક્સપ્રેસ | વડોદરા
જનનાયક ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાના ભાગરૂપે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૧૫ના રોજ વાઘોડિયા રોડ સ્થિત સુમનદીપ વિદ્યાપીઠ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યક્રમના આયોજન અંગેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જનનાયક ભગવાન શ્રી બિરસા મુંડાના આદર્શો અને યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરવાનો છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સુવ્યવસ્થિત, સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવીને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમમાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓની ઝાંખી કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ સમાન પરંપરાગત નૃત્યો દ્વારા આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવામાં આવશે.
આ પ્રસંગે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી સમાજનું ગૌરવ વધારનાર પ્રતિભાઓને સન્માનિત કરીને તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવશે. આ ઉપરાંત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવશે, જેથી જનજાતીય સમાજના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળી શકે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી ક્રિષ્ના નકુમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
