કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૦૫
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને કદવાલ તાલુકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જંગલોનો સોથ વાળીને ઓવરલોડ લાકડા ભરીને દોડતા વાહનોની બેરોકટોક હેરાફેરીએ માર્ગ સુરક્ષા અને પર્યાવરણ સામે મોટો ખતરો ઊભો કર્યો છે. ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં, અત્યંત જોખમી રીતે લાકડાના મસમોટા ભારીયા ભરીને મુખ્ય માર્ગો પરથી પસાર થતા આ વાહનો સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિ મોટેભાગે સાંજના સમયે અને રાત્રિના અંધકારનો લાભ લઈને આચરવામાં આવે છે. આ ચોક્કસ સમય પસંદ કરવા પાછળ વન વિભાગ અને પોલીસ ચેકપોસ્ટની નજરથી બચવાનો અથવા તંત્રની રહેમનજર હેઠળ છટકી જવાનો કારસો હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. ખીચોખીચ અને અસુરક્ષિત રીતે ભરેલા આ લાકડાના કારણે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ સતત અધ્ધરતાલ રહે છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
આ સમગ્ર મામલે જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે, સ્થાનિક વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) ના જવાબદાર અધિકારીઓ આ ખુલ્લેઆમ થતી હેરાફેરી સામે કેમ આંખ આડા કાન કરી રહ્યા છે? શું આ અંધાધૂંધ વહન વન વિભાગની મિલીભગત વિના શક્ય છે?
બીજી તરફ, જે પ્રકારે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢીને ટ્રકો ભરીને લાકડા વહન કરાઈ રહ્યા છે, તેનાથી પ્રકૃતિપ્રેમીઓમાં ઘેરી ચિંતા વ્યાપી ગઈ છે. જો આવી જ રીતે બેરોકટોક અને ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાતા રહેશે, તો આવનારી પેઢી માટે પર્યાવરણનું સંતુલન કેવી રીતે બચશે? ગ્લોબલ વોર્મિંગ અને પાણીની કટોકટી વચ્ચે આ પ્રકારનું વૃક્ષછેદન ભવિષ્ય માટે અત્યંત વિનાશક સાબિત થશે.
સ્થાનિક પ્રજા અને પર્યાવરણવાદીઓ ઉચ્ચ કક્ષાએથી આ મામલે તાત્કાલિક તપાસ થાય, સાંજના સમયે પેટ્રોલીંગ વધારવામાં આવે અને ઓવરલોડ તેમજ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વો સામે કાયદાકીય સકંજો કસાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.
