તંત્રી સ્થાને થી… વિમલ પટેલ
જ્યાં શ્રદ્ધા અને સમર્પણ હોય, ત્યાં ઈશ્વર પોતે મદદરૂપ બને છે’ આ ઉક્તિને સાર્થક કરતો એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય પ્રસંગ સમલાયા સ્ટેશન સ્થિત શ્રી પી. એસ. એલ. એસ. વિદ્યાલય ખાતે આકાર પામ્યો હતો. વિદ્યાલયના ભુલકાંઓ દ્વારા હનુમાનજી મહારાજ પ્રત્યેની અસીમ શ્રદ્ધા સાથે કરાતા નિયમિત હનુમાન ચાલીસા પઠન અને પ્રાર્થનાની ફળશ્રુતિરૂપે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હાથી પરિવારે નૂતન શાળા ભવનનું ઉદારદિલથી દાન અર્પણ કર્યું છે.
વિધિવત લોકાર્પણ પ્રસંગે સનાતન પરંપરા અને વૈદિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી હોમ તથા પૂજનવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચારના પવિત્ર ધ્વનિ વચ્ચે ઉત્સાહિત બાળકોએ નવનિર્મિત ભવનમાં આનંદભેર ગૃહપ્રવેશ કર્યો હતો. આ યાદગાર પ્રસંગે ઉદારમન દાતાઓ તેમજ સમાજશ્રેષ્ઠીઓનું ભવ્ય સન્માન કરી નૂતન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવવંત કાર્યક્રમમાં હાથી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્પાબેન હાથી તથા સમીતભાઈ હાથી, ‘વન કાઇન્ડ એક્ટ’ના ટ્રસ્ટી મોનાબેન ભોગલ, તેમજ સમલાયા ગ્રુપ કેળવણી મંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ, મંત્રી ડાહ્યાભાઈ પટેલ, ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, મંડળના અન્ય ટ્રસ્ટીઓ, શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ જાદવ તથા સમગ્ર શિક્ષક અને બિન-શિક્ષક સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા મધુર સરસ્વતી વંદના, સ્વાગતગીત અને વિવિધ મનોરંજક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ જાદવ દ્વારા વિદ્યાલયનો વાર્ષિક અહેવાલ રજૂ કરી શાળાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી દેશના ઉત્તમ નાગરિક બનવા માટે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું.
ઐતિહાસિક અને પવિત્ર ભૌગોલિક ભૂમિ ધરાવતા સમલાયા ખાતે આ અદ્યતન વિદ્યામંદિરના નિર્માણથી સમગ્ર વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારનો એક નવો અધ્યાય શરૂ થયો છે. કાર્યક્રમના અંતમાં શાળા પરિવાર દ્વારા પધારેલા સર્વે દાતાઓ, અતિથિઓ, ગ્રામજનો અને ઉપસ્થિત સૌ અગ્રણીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
* હાથી પરિવારના ઉદારદિલ દાનથી વિદ્યાલયના બાળકોને મળ્યું અદ્યતન નવું શાળા ભવન

