અવધ એક્સપ્રેસ | ડેસર
ડેસર તાલુકાના રાજુપુરા ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં કર્મચારીઓની સમયસર હાજરીને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ બેંકના નિયત સમય મુજબ સવારે ૧૦ વાગ્યાથી જ આસપાસના ગામોમાંથી ગ્રાહકો પોતાના બેંકિંગ કામકાજ માટે શાખાએ પહોંચી ગયા હતા. જોકે, લાંબા સમય સુધી બેંકનો સ્ટાફ હાજર ન થતાં ગ્રાહકોને રાહ જોવી પડી હતી.
ગ્રાહકોના જણાવ્યા મુજબ, સવારે ૧૦ વાગ્યાથી બેંકની બહાર રાહ જોતા ગ્રાહકોને કર્મચારીઓની રાહ જોવી પડી હતી અને મેનેજર સહિતનો સ્ટાફ આશરે સવારે ૧૧:૪૫ વાગ્યાના સુમારે બેંકમાં પહોંચ્યો હતો. જેના કારણે ખાસ કરીને દૂરના ગામોમાંથી આવેલા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક ગ્રાહકોનું કહેવું છે કે બેંકમાં સામાન્ય બેંકિંગ કામગીરી માટે પણ વારંવાર ધક્કા ખાવા પડે છે. કેટલાક ગ્રાહકોના આક્ષેપ મુજબ, ક્યારેક મશીન બંધ હોવું, નેટવર્કની સમસ્યા કે સર્વર ન ચાલતું હોવા જેવા કારણો જણાવી કામ મુલતવી રાખવામાં આવે છે અને ગ્રાહકોને બીજા દિવસે આવવાનું કહેવામાં આવે છે. રાજુપુરા શાખા સાથે આસપાસના અનેક ગામોના ગ્રાહકો જોડાયેલા હોવાથી ખેતી અને મજૂરીકામમાંથી સમય કાઢીને બેંકે આવતા ગ્રામજનો માટે આવી પરિસ્થિતિ મુશ્કેલીરૂપ બની રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ગ્રાહકોએ બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજુપુરા શાખાની કામગીરી અને કર્મચારીઓની સમયસર હાજરી અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ બેંકિંગ સેવાઓ નિયમિત અને સમયસર મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.
ગ્રાહકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં શાખાની કામગીરીમાં સુધારો નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવામાં આવશે. જરૂર પડે તો ગ્રાહકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
હવે જોવાનું એ રહ્યું કે રાજુપુરા બેંક શાખામાં કર્મચારીઓની સમયસર હાજરી અને ગ્રાહક સેવાને લઈને ઉઠેલા આક્ષેપો અંગે બેંકના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે.
