અવધ એક્સપ્રેસ | ડેસર
લકુલીશ યોગવિદ્યાલયના સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત 50મી સુવર્ણ યોગ શિબિરનું આયોજન સાઢાસાલની એમ.ડી. પટેલ શાળા ખાતે કરવામાં આવ્યું હતું. પૂજ્ય દાદાજી તથા બ્રહ્મલીન ગુરુદેવની અસીમ કૃપાથી યોજાયેલી આ શિબિરમાં રેકોર્ડ 1284 શિબિરાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગ ક્ષેત્રે નવી સિદ્ધિ નોંધાવી હતી.
ધોરણ-1થી ધોરણ-12 સુધીના કુલ 666 વિદ્યાર્થી કુમાર, 590 વિદ્યાર્થી કન્યા, 13 શિક્ષિકાઓ, 9 શિક્ષકો તેમજ શાળાના આચાર્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને બે આમંત્રિત મહેમાનો સહિત કુલ 1284 શિબિરાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.

આ પ્રસંગે યોગ શિક્ષકો તરીકે આમ્રપાલીબેન પંચાલ, દેવર્ષિબેન પટેલ, ભાવનાબેન ડોડિયા અને જયેશભાઈ પટેલે સેવા આપી હતી. યોગ શિક્ષકોએ વિવિધ આસનોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી શિબિરાર્થીઓને યોગાસનો અને પ્રાણાયામની યોગ્ય પદ્ધતિથી માહિતગાર કર્યા હતા.
આમ્રપાલીબેન પંચાલે લાઈફ મિશન સંસ્થા, લકુલીશ યોગ યુનિવર્સિટી, વિવિધ આશ્રમો અને સંસ્થાઓમાં ચાલી રહેલી યોગલક્ષી પ્રવૃત્તિઓ તેમજ યોગ શિબિરો અંગે માહિતી આપી હતી. શિબિરને સફળ બનાવવા લાભુબેન કાલરીયા, મનસુખભાઈ કાલરીયા, માનવેન્દ્રસિંહ જાડેજા, નિમિષાબેન પટેલ, અલ્પાબેન પંચાલ અને આશુતોષભાઈ પટેલે સહાયક તરીકે સેવા આપી હતી.
શાળાના પ્રમુખ સુકેતુભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોપાલભાઈ પટેલ અને મંત્રી નરેશભાઈ સોની ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત છાલીએર ગામના બળદેવસિંહ રાઉલજી તથા લટવા ગામના કુસુમબેન સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને લકુલીશ પ્રબોધન અભિયાન અંતર્ગત ડેસર તાલુકાના વિવિધ ગામોમાં નવા સંસ્કાર કેન્દ્રોની સ્થાપના માટે કાર્યરત છે. શ્રેયાર્થી ગૌતમભાઈ પટેલ પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય હશિતકુમાર પટેલ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓના સુંદર સહકારથી 50મી સુવર્ણ યોગ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. 1284 શિબિરાર્થીઓની રેકોર્ડ ભાગીદારી સાથે યોજાયેલી આ શિબિરે યોગ અને પ્રાણાયામના પ્રચાર-પ્રસારનો સુંદર સંદેશ આપ્યો હતો.
* સાઢાસાલની એમ.ડી. પટેલ શાળામાં યોજાયેલી યોગ શિબિરમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ અને આગેવાનો જોડાયા

