અવધ એક્સપ્રેસ | કાલોલ
ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશાએ ડાંગરનું વાવેતર કરનાર ખેડૂતો માટે હવે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. કાલોલ તાલુકાના ખંડોળી વિસ્તારના ખેડૂતો ભાદરવો ભરપૂર બનશે અને વરસાદ વરસશે તેવી આશાએ ડાંગરના પાકને ઉછેરી રહ્યા હતા, પરંતુ વરસાદે હાથતાળી આપતાં ખેતરોમાં પાણીની તંગી સર્જાઈ છે. પરિણામે તૈયાર થવા આરે પહોંચેલો ડાંગરનો પાક હવે પાણીના અભાવે સુકાવા લાગ્યો છે. ખેડૂતોએ વરસાદની આશા રાખી પાકને અત્યાર સુધી સાચવી રાખ્યો હતો. પરંતુ ભાદરવાના દિવસોમાં પણ જોઈએ તેવો વરસાદ ન પડતાં ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. ડાંગર જેવા પાણી આધારિત પાક માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ખેતરમાં ઉભેલો પાક બચાવવા ખેડૂતો હવે જાતે જ પાણીની વ્યવસ્થા કરવા દોડધામ કરી રહ્યા છે.

ખંડોળી પંથકના કેટલાક ખેડૂતો દ્વારા ડાંગરનો પાક બચાવવા તળાવના કિનારે ડમકી મૂકીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ડીઝલના સતત વધતા ખર્ચ વચ્ચે મોંઘા ભાવે ડીઝલ બાળીને ખેતરોમાં પાણી પહોંચાડવાની ફરજ પડી રહી છે. એક તરફ પાકનો ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ કુદરતે સાથ ન આપતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાણી માટે ડીઝલનો ખર્ચ કર્યા બાદ પણ પાક હાથમાં આવશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. આમ, પાક બચાવવાની મથામણમાં ખેડૂતને વધુ ખર્ચ અને વધુ જોખમ સહન કરવાનો વારો આવ્યો છે.
ચોમાસું સારું જશે તેવી આશાએ ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા, મજૂરી સહિતનો ખર્ચ કરી ડાંગરનું વાવેતર કર્યું હતું. શરૂઆતથી જ વરસાદ ખેંચાતા ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી રહી હતી. ભાદરવો ભરપૂર બનશે અને વરસાદની ઘટ પૂરી થશે તેવી આશા હતી.

ભાદરવાના આંતરા-ચીતરા તાપમાં ખેતરમાં કામ કરવું પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. તેમ છતાં પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો પાણીની વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે. જ્યાં કુદરતી પાણીનો આધાર મળતો નથી ત્યાં ડીઝલ પંપ અને ડમકીના સહારે ખેતરમાં પાણી પહોંચાડવાની કવાયત ચાલી રહી છે. પરંતુ ભાદરવાના આકરા તાપ અને વરસાદના અભાવે ખેડૂતોની આ આશા પણ ધૂંધળી બની રહી છે. ખેતરમાં ઉભેલો ડાંગરનો પાક પાણી માટે તરસી રહ્યો છે અને ખેડૂત પોતાના પરસેવાની કમાણીથી ઉગાડેલા પાકને બચાવવા દિવસ-રાત મથામણ કરી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદના ભરોસે વાવેલો પાક હવે વરસાદના અભાવે હાથમાંથી સરકી રહ્યો છે. એક બાજુ આકાશમાં વાદળોની રાહ અને બીજી બાજુ ખેતરમાં સુકાતા ડાંગરને જોઈને ખેડૂતોની ચિંતા વધી રહી છે.
ખંડોળી વિસ્તારના ખેડૂતો હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. વરસાદના અભાવે જો પાકને નુકસાન થયું હોય તો તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર તથા આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફત સામે ખેડૂત એકલો લડી શકે તેમ નથી. ડાંગરનો પાક બચાવવા મોંઘા ડીઝલનો ખર્ચ કરવો પડી રહ્યો છે, જ્યારે પાક નિષ્ફળ જાય તો સમગ્ર વર્ષની મહેનત અને મૂડી પાણીમાં જવાની ભીતિ છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ખંડોળી સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકની વાસ્તવિક સ્થિતિનો તાત્કાલિક સર્વે કરાવે અને પરિસ્થિતિ ગંભીર હોય તો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ જાહેર કરી ખેડૂતોને રાહત, સિંચાઈ સહાય અને પાક નુકસાનનું યોગ્ય વળતર આપે.
વરસાદની આશાએ ધરતીમાં બીજ નાખનાર ખેડૂત આજે એ જ ધરતી પર સુકાતા ડાંગરને જોઈ રહ્યો છે… હવે આકાશ નહીં, સરકાર તરફથી મદદની આશા છે.
