સાવલીમાં મિની નદી પ્રદૂષણ મામલે GPCBની મોટી કાર્યવાહી, Miracle Science and Technology LLP સામે ક્લોઝર દિશાનિર્દે મીડિયાના અહેવાલ બાદ GPCBની તપાસમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજમાંથી દૂષિત પાણી બહાર જતું હોવાનું સામે આવ્યું, કંપની પરિસરમાં 6 હજાર HDPE ડ્રમ્સ પણ નોંધાયા

સાવલી પંથકમાં મિની નદીમાં પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે મીડિયા અહેવાલો બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. GPCBની તપાસ દરમિયાન Miracle Science and Technology LLP સામે ગંભીર બાબતો નોંધાયા બાદ કંપની વિરુદ્ધ ક્લોઝર દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ, 7 જુલાઈના રોજ કરવામાં આવેલી તપાસ દરમિયાન મિની નદી તરફ ભૂરા રંગનું પાણી વહેતું હોવાનું નોંધાયું હતું. તપાસ દરમિયાન કંપનીના સ્ટોર્મ વોટર ડ્રેનેજમાંથી દૂષિત પાણી બહાર જતું હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત, કંપનીના પરિસરમાં આશરે 6 હજાર HDPE ડ્રમ્સ યોગ્ય લેબલિંગ વિના સંગ્રહિત હોવાનું GPCBની તપાસમાં નોંધાયું હતું.
આ મામલે Water Actની કલમ 33-A હેઠળ કંપની સામે ક્લોઝર દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. GPCBની આ કાર્યવાહી બાદ સાવલી પંથકના કેમિકલ ઉદ્યોગોમાં હલચલ જોવા મળી રહી છે.

આ મામલે માત્ર એક કંપની સામે જ કાર્યવાહી થઈ નથી. અન્ય એક કંપની સામે પણ ક્લોઝર કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે વધુ એક કંપનીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મિની નદીમાં પ્રદૂષણ અને કેમિકલ ઉદ્યોગોમાંથી નીકળતા દૂષિત પાણીના મુદ્દે GPCBની કાર્યવાહીથી હવે સમગ્ર પંથકમાં પર્યાવરણ અને ઉદ્યોગોના નિયમોના પાલનને લઈને ચર્ચા શરૂ થઈ છે.
