અવધ એક્સપ્રેસ | વડોદરા
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય વર્તુળ, વડોદરા દ્વારા આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે ચિંતન શિબિર-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ, વડોદરા વર્તુળના અધિક્ષક એન્જિનિયર સાહસ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ચિંતન શિબિરમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વડોદરા વર્તુળના અધિક્ષક એન્જિનિયર કમલેશ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ચિંતન શિબિરમાં બાંધકામ અને જાળવણીના ક્ષેત્રમાં નવીન ટેકનોલોજીનો સ્વીકાર અને તેના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વિકસિત ગુજરાત-૨૦૪૭ના દૂરંદેશી લક્ષ્યને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ગુણવત્તાયુક્ત બાંધકામ, માળખાકીય સુવિધાઓની જાળવણી તેમજ કાર્યક્ષમતામાં વધારો કરવા જેવા મહત્ત્વના વિષયો પર વિષય નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ ચિંતન શિબિરમાં વડોદરા વર્તુળ હેઠળ આવતા વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, ભરૂચ, મહિસાગર અને રાજપીપળા જિલ્લાઓના કાર્યપાલક એન્જિનિયર્સ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બાંધકામ અને જાળવણીમાં નવી ટેકનોલોજીના ઉપયોગ થકી થયેલા અનુભવો, કામગીરી દરમિયાન અપનાવવામાં આવેલી નવીન પદ્ધતિઓ તેમજ ભવિષ્યમાં ટેકનોલોજીના વધુ વ્યાપક ઉપયોગની શક્યતાઓ અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ચિંતન શિબિરમાં રજૂ થયેલાં પ્રેઝન્ટેશન અને ચર્ચાઓના માધ્યમથી બાંધકામ ક્ષેત્રે આધુનિક અભિગમ અપનાવવા, કામગીરીની ગુણવત્તા જાળવવા, ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા અને માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ટકાઉ જાળવણી માટે વિવિધ પાસાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું. વિકસિત ગુજરાત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નવીન વિચારો, ટેકનોલોજી અને વ્યવહારુ અનુભવોના આદાનપ્રદાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ચિંતન શિબિરમાં માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વડોદરા વર્તુળના અધિકારીગણ અને વિવિધ વિષયોના નિષ્ણાતો સહભાગી થયા હતા. શિબિરના માધ્યમથી બાંધકામ અને જાળવણીના ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી અપનાવીને વિકાસલક્ષી કામગીરીને વધુ ગુણવત્તાસભર, અસરકારક અને સમયબદ્ધ બનાવવાના હેતુથી પરસ્પર જ્ઞાન અને અનુભવોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
આ ચિંતન શિબિરમાં વડોદરા જિલ્લાના કાર્યપાલક ઇજનેર કૌશલ બ્રહ્મભટ્ટ, શહેરના દિવ્યેશ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
