ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યોજના-પી.એમ.-3એ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પાણીની ટાંકી હાલ ગ્રામજનો માટે સફેદ હાથી સમાન બની હોવાની ફરિયાદો સામે આવી છે.
ફરોડ ગામે 80,000 લીટર ક્ષમતા અને 12 મીટર ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. જોકે, પાણી પુરવઠાનું યોગ્ય કનેક્શન ન મળવાના કારણે આજદિન સુધી ગ્રામજનોને તેનો લાભ મળ્યો નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. સરકાર દ્વારા ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી ઘરઆંગણે મળી રહે તે માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પરંતુ જ્યાં ટાંકી તો બની જાય, સંપ પણ તૈયાર થઈ જાય અને પાણી જ ન પહોંચે, ત્યાં સમગ્ર યોજનાનો હેતુ જ પ્રશ્નાર્થ બની જાય છે.

ઘોઘંબા તાલુકાના અસંખ્ય ગામોમાં પાણી પુરવઠા માટે સંપ અને પાણીની ટાંકીઓ બનાવવામાં આવી હોવા છતાં અનેક સ્થળોએ હજુ સુધી પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું નથી. ક્યાંક સંપનું કામ અધૂરું છે તો ક્યાંક પાણીની ટાંકીનું કામ પૂર્ણ થયું નથી. પરિણામે સરકારી નાણાંનો ખર્ચ થયા બાદ પણ ગ્રામજનો પાણી માટે વલખાં મારી રહ્યા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. ફરોડ ગામમાં ઊભી કરવામાં આવેલી 80 હજાર લીટરની ટાંકી પણ હવે ‘પાણી આવશે’ તેવી આશામાં ઉભેલી ટાંકી બની રહી છે. ગ્રામજનોની અપેક્ષા છે કે તંત્ર દ્વારા કનેક્શન સહિતની જરૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને ટાંકી કાર્યરત કરી ઘર-ઘર પાણી પહોંચાડવામાં આવે.
લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી પાણીની ટાંકી જો ગ્રામજનોની એક પણ પ્યાસ ન છીપાવી શકે, તો વિકાસના કામોનો લાભ કોને? એવો સવાલ હાલ ફરોડ સહિત ઘોઘંબા તાલુકાના ગ્રામજનોમાં ઉઠી રહ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને ફરોડની આ ‘શોભાના ગાંઠિયા’ સમાન ટાંકીમાંથી ખરેખર ક્યારે પાણી વહે છે.
