આગામી ગણપતિ મહોત્સવની ઉજવણીને લઈને સાવલી નગર અને તાલુકામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપ્પાની પ્રતિમાના ભવ્ય આગમન પ્રસંગે સાવલી શહેરમાં જાણે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ભવ્ય આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રીજી ભક્તો જોડાયા હતા.
ગત રાત્રિના સમયે દુંદાળા દેવ ગણપતિજીની શાહી સવારી સાવલી ખાતે આવી પહોંચી હતી. સાવલી કોલેજ ખાતેથી ભવ્ય આગમન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, બાળકો સહિત પુરુષો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

ભારે જનમેદની વચ્ચે નીકળેલી આગમન યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઢોલ-નગારાં અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર સાવલી શહેર ગુંજી ઉઠ્યું હતું.
આગમન યાત્રા દરમિયાન કરવામાં આવેલી ભવ્ય આતશબાજીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રંગબેરંગી આતશબાજી અને ભક્તોના જયઘોષ વચ્ચે ગણપતિ બાપ્પાના દર્શન કરવા ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શ્રીજીના ભવ્ય આગમનને લઈને સાવલી શહેરમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો હતો. ગણપતિ બાપ્પાના સ્વાગત માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર શહેર જાણે બાપ્પાના રંગે રંગાઈ ગયું હતું.
* ઢોલ-નગારાં, ડીજેના તાલે અને આતશબાજી વચ્ચે હજારો શ્રીજી ભક્તો જોડાયા

