સાવલી: વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ભાદરવા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગર સામે મોટી કાર્યવાહી કરી છે.
સાવલી તાલુકાના રણજીતનગરના પ્રદીપસિંહ ઉર્ફે ગોટીયો ગીરવતસિંહ પરમાર સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ ભાદરવા તેમજ સાવલી પોલીસ મથકમાં પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીનો કુલ 16 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાને લઈ ભાદરવા પોલીસે PASA હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ આરોપીની PASA હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા હવે આરોપીને પાલારા (ભુજ) મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઓપરેશન પરાક્રમ હેઠળ ભાદરવા પોલીસની આ કાર્યવાહીથી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
