સાંકડા સિંગલ રોડ પર ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ખતરો; સદનસીબે પાછળ કોઈ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
ઘોઘંબા: તાલુકાના ગોદલી ગામમાં રેતી ભરેલા ભારે વાહનોની બેફામ અવરજવર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાંકડા સિંગલ રોડ પર મોટા ડમ્પરો સહિતના ભારે વાહનોની સતત અવરજવર વચ્ચે આજે એક ડમ્પર અકસ્માતનો ભોગ બન્યું હતું. સદનસીબે ડમ્પરની પાછળ કોઈ અન્ય વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મુજબ, ગોદલી ગામના સાંકડા માર્ગ પર એક મહાકાય ડમ્પર ઢાળ ચડી રહ્યું હતું. દરમિયાન સામેથી અન્ય વાહન આવતા ડમ્પરને સાઈડમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઢાળ પર ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા ડમ્પર પાછળની તરફ ધસી ગયું હતું અને સીધું નજીક આવેલા ખેતરમાં ઉતરી પડ્યું હતું.
ડમ્પર ખેતરમાં ખાબકતાં ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, અકસ્માત સમયે ડમ્પરની પાછળ કોઈ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો પાછળ કોઈ વાહન હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોદલી ગામના આ સાંકડા રસ્તા પર રેતીના ભારે વાહનોની મોટી સંખ્યામાં અવરજવર થાય છે. સિંગલ રોડ હોવા છતાં ભારે ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકો માટે સતત જોખમ ઊભું થઈ રહ્યું છે.
ગામલોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે સાંકડા રસ્તા પર આટલી મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? ગેરકાયદેસર રેતી વહન થતું હોય તો તેની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.
આજે બનેલી ઘટના ચેતવણી સમાન બની છે. જો તંત્ર દ્વારા સમયસર ભારે વાહનોની અવરજવર અને રેતી વહન અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.
સાંકડા સિંગલ રોડ પર બેફામ દોડતા ભારે વાહનોને અંકુશમાં લેવા તેમજ રેતી વહન કરતા વાહનોની કાયદેસરતા અંગે તપાસ કરવા ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.
