કાલોલ તાલુકાના દેલોલ સ્થિત ગોમા નદી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહેલું એક ડમ્પર ઝડપાયું છે. સર્કલ ઓફિસર કાલોલની ટીમે ફેરણી દરમિયાન આ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સર્કલ ઓફિસરની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ગોમા નદી પાસેથી પસાર થઈ રહેલા ડમ્પર નંબર GJ-17-YY-9437 ને રોકવામાં આવ્યું હતુ.
તપાસ કરતાં, ડમ્પર ચાલક ભરવાડ રાહુલકુમાર રણછોડભાઈ પાસે રોયલ્ટી પાસની માંગણી કરવામાં આવી હતી. પાસ અને ડમ્પરના વજનની ચકાસણી કરતાં, પાસમાં દર્શાવેલ મર્યાદા કરતાં અંદાજે ૩ મેટ્રિક ટન વધુ (ઓવરલોડ) સાદી રેતી ભરેલી હોવાનું જણાયું હતું.રોયલ્ટી પાસની મર્યાદા બહાર અનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે રેતીનું વહન થતું હોવાથી, સર્કલ ઓફિસર દ્વારા ડમ્પરને કસ્ટડીમાં લેવામાં આવ્યું છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાહનના ડ્રાઇવરનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ ગેરકાયદેસર વહન કરનાર સામે નિયમાનુસાર દંડાત્મક અને કાયદાકીય કડક કાર્યવાહી કરવા માટે સંબંધિત ઉચ્ચ અધિકારીઓને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે.
